મહાદેવ એપ કેસમાં મુંબઈ પોલીસે 32 લોકો વિરૂધ્ધ ગુનો નોંધ્યો
- મુંબઈ પોલીસે 32 લોકો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી
- એપના પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યમંત્રીને અત્યાર સુધીમાં લગભગ 508 કરોડ રૂપિયા ચૂકવ્યા- ED
મુંબઈઃ મુંબઈ પોલીસે મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સહિત 32 લોકો વિરુદ્ધ આશરે રૂપિયા 15,000 કરોડની છેતરપિંડીના આરોપમાં FIR નોંધી છે. માટુંગા પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, એપ પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને મુખ્ય આરોપી રવિ ઉપ્પલ અને શુભમ સોની તેમજ અન્ય આરોપીઓ વિરુદ્ધ 2019થી અત્યાર સુધી છેતરપિંડી કરવા બદલ મંગળવારે FIR નોંધવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, 30મી કુર્લા કોર્ટના નિર્દેશો પર ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી), 120-બી (ષડયંત્ર), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને જુગારની ધારા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. FIR મુજબ આરોપીઓએ લોકો સાથે લગભગ 15 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.
EDએ ગયા અઠવાડિયે દાવો કર્યો હતો કે, ફોરેન્સિક વિશ્લેષણ અને કેશ કુરિયરના નિવેદનથી ચોંકાવનારા આક્ષેપો થયા છે કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યમંત્રીને અત્યાર સુધીમાં લગભગ 508 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. અને તે તપાસનો વિષય છે. બાદમાં ભાજપે શુભમ સોનીનો એક વિડિયો બહાર પાડીને કહ્યું કે તે એપનો માલિક છે અને તેની પાસે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને અત્યાર સુધી 508 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાના પુરાવા છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 5 નવેમ્બરે EDની વિનંતી પર કેન્દ્રએ મહાદેવ એપ અને રેડ્ડ્યાન્નાપ્રિસ્ટોપ્રો સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીના પ્લેટફોર્મને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો, ગુજરાત: લગ્ન નોંધણી માટે સરકારી કર્મચારી રૂ.4000ની લાંચ માંગતા ભરાયો