IPL-2024વિશેષસ્પોર્ટસ

મુંબઈ ઇન્ડિયન્સના નામે નોંધાયો થયો એક શરમજનક રેકોર્ડ

Text To Speech

18 મે, મુંબઈ: ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે પોતાની અંતિમ લીગ મેચ હારી જતાં મુંબઈ ઇન્ડિયન્સ આ સિઝનમાં તેની દસમી મેચ હારી ગયું હતું. આવું પહેલી વખત નથી બન્યું. 2022માં પણ મુંબઈ ઇન્ડિયન્સની આ જ હાલત થઇ હતી. પરંતુ આ વખતે મુંબઈ ઇન્ડિયન્સના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે.

2022 અને 2024 એમ બે વર્ષ દસ-દસ મેચો હારી જતાં મુંબઈ ઇન્ડિયન્સ એવી પહેલી IPL ટીમ બની ગઈ છે જેણે બે વખત દસ કે તેથી વધુ મેચો એક સિઝનમાં હારી હોય. આ વર્ષે જો કે મુંબઈની શરૂઆત જ ખરાબ રહી હતી. ગુજરાત ટાઈટન્સ સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ સિઝનની પોતાની પહેલી મેચમાં મુંબઈ હાથમાં આવેલી મેચ હારી ગયું હતું.

ત્યારબાદ ટીમનું સાતત્ય ક્યાંક ખોવાઈ ગયું હતું અને 14 મેચોમાંથી મુંબઈ ઇન્ડિયન્સના નામે ફક્ત 4 જીત જ નોંધાઈ હતી. ગયા વર્ષે ઓક્શન અગાઉ મુંબઈએ રોહિત શર્માને સ્થાને હાર્દિક પંડ્યાને ગુજરાતમાંથી લાવીને ટીમનો કેપ્ટન બનાવી દીધો હતો અને ત્યારથી જ ટીમની માઠી બેસી ગઈ હતી.

રોહિત શર્મા ઉપરાંત ટીમના અન્ય સિનીયર ખેલાડીઓ હાર્દિકને મનથી સાથ ન આપી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તો સામે પક્ષે હાર્દિક પંડ્યા પણ ગુજરાત ટાઈટન્સ માટે જે રીતે ખુલ્લા મનથી કપ્તાની કરી રહ્યો હતો તેવું પણ નહોતું લાગી રહ્યું. આમ સરવાળે મુંબઈ ઇન્ડિયન્સને જ સહન કરવાનું આવ્યું હતું.

IPL સિઝન 2022 અને 2024માં દસ હાર ઉપરાંત સિઝન 2009, 2014 અને 2019માં ટીમ 8 મેચો હારી ગઈ હતી.

જો 2022માં થયેલા મેગા ઓક્શનને ધ્યાનમાં લઈએ તો ત્રણ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ 17 મેચો જીત્યું છે જ્યારે 27 મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ રેકોર્ડ પણ મુંબઈ ઇન્ડિયન્સ માટે અત્યંત શરમ પમાડે તેવો છે. આવું ‘કારનામું’ પણ અન્ય કોઈ ટીમે અત્યાર સુધી IPLના ઇતિહાસમાં નથી કર્યું. અહીં નોંધપાત્ર હકીકત તો એ છે કે ત્રણ સિઝનની કુલ 17 જીતમાંથી 9 તો મુંબઈએ ગયા વર્ષે મેળવી હતી.

છેલ્લી ત્રણ સિઝનમાં એક તરફ ટીમનું ફોર્મ ગુમાવવું અને બીજી તરફ કપ્તાની અંગેનો વિવાદ આ બંને બાબતોએ મુંબઈ ઇન્ડિયન્સને એક સમયની મજબૂત ફ્રેન્ચાઈઝીઓમાંથી સૌથી નબળી ફ્રેન્ચાઈઝી તરીકે ઓળખવાનું શરુ કરી દીધું છે.

Back to top button