18 મે, મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સ માટે આ સિઝન ખરેખર ભૂલી જવા જેવી બની ગઈ છે. એક તરફ જ્યારે એલીમીનેટ થયેલી ટીમો પોતાની બાકી બચેલી મેચો જીતવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આ ટીમ આ સમયે પણ વેરવિખેર જોવા મળી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ સામે મુંબઈ માટે પોતાની ‘કહેવાતી અંતિમ મેચમાં’ છેવટે રોહિત શર્મા ઝળક્યો હતો પરંતુ તેની ટીમના નસીબમાં તે બિલકુલ પરિવર્તન લાવી શક્યો ન હતો.
ટોસ જીતીને હાર્દિક પંડ્યાએ પહેલાં બોલિંગ લેવાનું પસંદ કર્યું હતું. શરૂઆતમાં તેના બોલર્સને સફળતા પણ મળી હતી. એક સમયે લખનૌ માત્ર 69 રનમાં પોતાની ત્રણ મહત્વની વિકેટો ગુમાવી ચૂક્યું હતું. પરંતુ કેએલ રાહુલે થોડી આક્રમક બેટિંગ દેખાડી અને ટીમને પાટે લાવવાની કોશિશ કરી.
પરંતુ લખનૌ માટે આ સિઝનમાં જેમ કાયમ બનતું આવ્યું છે તેમ નિકોલસ પૂરને ટીમના સ્કોરને ગતિ આપી હતી અને ફક્ત 29 બોલમાં 75 રન ઝૂડી નાખ્યા હતા જેમાં 5 ફોર અને 8 સિક્સરો સામેલ હતી. ત્યારબાદ લખનૌની ત્રણ વિકેટો ફટાફટ પડી જતાં તે 200 રને પણ પહોંચશે કે કેમ તેની શંકા સેવાઈ રહી હતી. છેવટે આયુષ બદોની અને કૃણાલ પંડ્યાએ જરૂરી ફોર અને સિક્સરો મારીને ટીમને 214ના પડકારજનક સ્કોર પર પહોંચાડી હતી.
જવાબમાં આ વખતે મુંબઈએ રોહિત શર્મા સાથે ઇશાન કિશનને બદલે સાઉથ આફ્રિકન ડીવાલ્ડ બ્રેવીસને ઓપનીંગ કરવા મોકલ્યો હતો પરંતુ તેમનો આ દાવ નિષ્ફળ ગયો હતો. એક તરફ પોતાની કહેવાતી અંતિમ મેચમાં રોહિત શર્મા ફટકાબાજી કરી રહ્યો હતો તો સામે છેડે સતત વિકેટો પડી રહી હતી. રોહિતના આઉટ થયાં બાદ પણ વિકેટો પડી હતી અને છેવટે નમન ધીરે 28 બોલમાં 62 રન તો કર્યા હતા પરંતુ મુંબઈ ઇન્ડિયન્સનો પનો ટૂંકો પડવાનો જ હતો તે નક્કી હતું અને મુંબઈ આ મેચ 18 રને હારી ગયું હતું.
આ મેચ સાથે મુંબઈ અને લખનૌ બંનેની IPL 2024ની સફર પૂરી થઇ છે. મુંબઈ ફક્ત 8 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલ પર અંતિમ સ્થાને રહેવાનું છે તે પાક્કું થઇ ગયું છે. જ્યારે લખનૌ જે એક સમયે સતત ટોપ 4માં રહેતું હતું તેણે અચાનક જ ફોર્મ ગુમાવ્યું અને તે આજે ક્વોલીફાય પણ નહોતી થઇ શકી.
આવતી સિઝન માટે આ બંને ટીમોની કપ્તાની કોણ કરશે તે યક્ષપ્રશ્ન તેમના મેનેજમેન્ટ સામે જરૂર ઉભો રહેશે.