કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મુંબઈ: કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નૂતન સમાજવાડીનું ઉદઘાટન

  • ખારઘર ખાતે નૂતન સમાજવાડીનો ઉદઘાટન સમાહોર અને રવેચી માતાજીના મેળાની ઉજવણી કરાઈ

નવી મુંબઈ, 12 ફેબ્રુઆરી: મૂળ કચ્છ વાગડના અને હાલ મહારાષ્ટ્રના નવી મુંબઈમાં વસતાં સમસ્ત કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નવી મુંબઈના ખારઘરમાં સરસ્વતી કોલેજ રોડ પર ઉત્સવ ચોકની બાજુમાં નૂતન સમાજવાડીનું નિર્માણ કરાયું છે. ત્યારે તારીખ 11 ફેબ્રુઆરી ને રવિવારના રોજ ખારઘર ખાતે નૂતન સમાજવાડીનો શુભ ઉદઘાટન સમારોહ અને રવેચી માતાજીના મેળાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલના વરદ હસ્તે નૂતન સમાજવાડીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

11 ફેબ્રુઆરીના રોજ નવી મુંબઈના ખારઘર ખાતે નૂતન સમાજવાડીના ઉદઘાટન પ્રસંગે મુખ્ય ઉદઘાટક તરીકે ઉપસ્થિત નરેશ પટેલનું લેઉવા પાટીદાર સમાજ કચ્છ વાગડ નવી મુંબઈ જિલ્લો થાણા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેશ પટેલને શાલ ઓઢાડી, સરદાર સાહેબની પ્રતિમા અર્પણ કરી કચ્છી પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે દિપ પ્રાગટ્ય બાદ માતાજીની આરતી કરાઈ હતી. ત્યારબાદ નરેશ પટેલના હસ્તે રીબીન કાપી, ફળ વધેરીને નૂતન સમાજવાડીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને દાતાઓનું સન્માન કરાયું હતું. બાદમાં સૌએ સાથે મહાપ્રસાદ લીધો હતો.

વાગડના લેઉવા પાટીદારોએ આપણી ગામઠી સંસ્કૃતિનો પાયો હજુ પણ જાળવી રાખ્યો છેઃ નરેશ પટેલ

નવી મુંબઈના ખારઘર ખાતે નૂતન સમાજવાડીના ઉદઘાટન પ્રસંગે નરેશ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આજથી થોડા વર્ષો પહેલા આ વાગડ લેઉવા પટેલ સમાજ ખેતી કરતો હતો અને ખેતી કરતાં કરતાં મુંબઈ આવીને અન્ય સમાજને ઉદાહરણ પૂરું પાડે તેવું સારું કાર્ય કરી રહ્યો છે તે બદલ આખા વાગડ લેઉવા પટેલ સમાજને અભિનંદન પાઠવું છું. સાથે જ ફાઈવસ્ટાર હોટલને ટક્કર મારે તેવા સમાજ ભવનના નિર્માણ બદલ સમગ્ર ટીમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. વાગડના લેઉવા પાટીદારોએ આપણી ગામઠી સંસ્કૃતિનો પાયો હજુ પણ જાળવી રાખ્યો છે. આ પ્રસંગે નરેશ પટેલે રાજકોટ શહેર નજીક પડધરી તાલુકાના અમરેલી ગામ પાસે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અંગેની માહિતી આપી હતી.

નૂતન સમાજવાડીના ઉદઘાટન પ્રસંગે નરેશ પટેલ, પનવેલના ધારાસભ્ય પ્રશાંત ઠાકુર, રાપરના પૂર્વ ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયા, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી ભચુભાઈ ધરમશીભાઈ આરેઠીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગરમાં મલ્ટીલેવલ પાર્કિંગનું ઉદ્ઘાટન કર્યું

Back to top button