મુંબઈમાં થયો હિલસ્ટેશનનો અહેસાસ, સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું
દેશના ઉત્તરીય વિસ્તારમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મુબઈમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી મુંબઈવાસીઓને હિલ સ્ટેશનનો અહેસાસ થઈ રહ્યો છે.
મહાબળેશ્વર અને માથેરાન જેટલું તાપમાન નોંધાયું
હિમ વર્ષાને કારણે ઉત્તર તરફથી દક્ષિણ તરફ આવી રહેલા ઠંડા પવનોની અસર મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રને થઈ રહી છે. મુંબઈમાં મંગળવારે લઘુતમ તાપમાનનો પારો14.8 ડિગ્રી જેટલો નોંધાયો હતો. મંગળવારે મુંબઈમાં હિલ સ્ટેશન મહાબળેશ્વર અને માથેરાન જેટલું તાપમાન નોંધાયું હતું. મુંબઈમાં લઘુતમ તાપમાન 14.8 તો માથેરાનમાં 14 ડિગ્રી અને મહાબળેશ્ર્વરમાં14.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. મુંબઈમાં તાપમાનનો પારો 24 કલાકમાં લગભગ એક ડિગ્રી નીચે આવી જતા આગામી દિવસમાં હાડથીજવતી ઠંડી પડે એવી શક્યતા છે.
આગામી સમયમાં ઠંડી વધવાની શક્યતા
મુંબઈમાં 26 થી 29 જાન્યુઆરી દરમિયાન તાપમાનનો પારો એક આંકડા પર નોંધાશે તેવા મેસેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આ મામલે જાણકારી આપતા જણાવ્યું હતુ કે હાલ હિમાલયમાં બરફ વર્ષા થઈ રહી છે. તેથી ઉત્તર તરફથી દક્ષિણ તરફ આવી રહેલા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો છે. તેમજ આગામી સમયમાં મુંબઈ સહિત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર એવા મેસેજ વાયરલ થઈ રહ્યો છે, કે આગામી સમયમાં મુંબઈમાં ઠંડીનો પારો એક આંકડા પર પહોંચશે. ત્યારે હવામાન ખાતાએ આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે આગામી સમયમાં ઠંડી વધશે પણ પારો એક આંકડા પર નહીં પહોંચે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મોકુફ, આ કારણે યાત્રા અટકાવવામાં આવી