ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈઃ ભાજપના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના સીસીટીવી ફૂટેજ જાહેર, જૂઓ વીડિયો

  • શિવસેનાના નેતા મહેશ ગાયકવાડના શરીરમાંથી મળી આવી 6 ગોળી
  • હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના કેસની તપાસ થાણે ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

મુંબઈ, 3 ફેબ્રુઆરી: મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના કેસની તપાસ થાણે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કરવા બદલ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તો કુલ છ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શિવસેનાના નેતા મહેશ ગાયકવાડના શરીરમાંથી 6 ગોળીઓ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, પરસ્પર વિવાદ બાદ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કર્યું હતું, જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ACP નિલેશ સોનાવણેના નેતૃત્વમાં થાણે ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ શરૂ કરી છે.

દરમિયાન, ફાયરિંગની આ ઘટના પોલિસ સ્ટેશનના સીસીટીવીમાં લાઈવ ઝડપાઈ ગઈ હતી જેના ફૂટેજ હવે બહાર આવ્યા છે. જૂઓ સમગ્ર ઘટનાનો વીડિયો અહીં-

મને કોઈ અફસોસ નથી : આરોપી ધારાસભ્ય

ગણપત ગાયકવાડે ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે, “હા, મેં તેને મારી જાતે ગોળી મારી છે. મને કોઈ અફસોસ નથી. મારા પુત્રને પોલીસ સ્ટેશનની અંદર પોલીસની સામે માર મારવામાં આવે તો હું શું કરીશ?” તેણે દાવો કર્યો કે તેણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે કે, ‘મુખ્યમંત્રી એકનાથ શિંદે ‘મહારાષ્ટ્રમાં ગુનેગારોનું સામ્રાજ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે’. ભાજપ અને શિંદેની આગેવાની હેઠળની શિવસેના મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનનો ભાગ છે. ધારાસભ્ય ગણપતે વધુમાં કહ્યું કે, ‘જો એકનાથ શિંદે મુખ્યમંત્રી હશે તો મહારાષ્ટ્રમાં ગુનેગારો જ જન્મશે. આજે તેઓએ મારા જેવા સારા માણસને ગુનેગાર બનાવી દીધો છે.’

પોલીસ દ્વારા 3ની ધરપકડ અને 3ની શોધ શરૂ

હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના આ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, કુલ 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ફાયરિંગના કેસમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને અન્ય બે લોકોની ધરપકડ કરી છે. હિલ લાઇન પોલીસે કુલ 6 લોકો સામે કેસ નોંધ્યો છે, જેમાંથી 3ની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના 3 આરોપીઓને શોધી રહી છે. પોલીસે IPC IO કલમ 307, 120 B, 143, 147, 148, 149, 109, 323, 504 અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

આ પણ જુઓ: મહારાષ્ટ્ર: ભાજપના ધારાસભ્યએ પોલીસ સ્ટેશનમાં શિવસેનાના નેતાને મારી 4 ગોળી

Back to top button