RBI ઓફિસમાં ધમકીભર્યા ઈ-મેઈલ મામલે મુંબઈ ATSની વડોદરાના ઓપ્ટિકલ હાઉસમાં તપાસ
વડોદરા, 29 ડિસેમ્બર 2023, RBIના મુંબઈ કાર્યાલય સહિત 11 ઠેકાણે બોમ્બ મુકવાના ધમકીભર્યા ઇ-મેઇલ બાદ વધુ તપાસ માટે મુંબઈ ATSની ટીમ વડોદરા પહોંચી છે. ATSની ટીમે મેમણ જમાતખાનની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ શરૂ કરી હતી. ATSએ ઓપ્ટિકલ હાઉસના ઈન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરીને તાંદલજાના અર્શિલે ઇ-મેઇલ કર્યો હોવાની આશંકાને પગલે સર્ચ કર્યું હતું. જેમાં ઈન્ટરનેટ રાઉટર અને CCTV ફૂટેજ કબજે કર્યાં હતા. આરોપીએ ઓપ્ટિકલ કાઉસના માલિકને ગેરમાર્ગે દોરીને ઈન્ટરનેટ રાઉટરનો દુરૂપયોગ કર્યો હતો.
જમાતખાનાની ઓફિસ અને ઓપ્ટિકલ હાઉસમાં તપાસ
મુંબઈ પોલીસે મંગળવારે વડોદરા પોલીસને સાથે રાખીને વડોદરા જિલ્લાના પાદરાના રણુ ગામમાં પહોંચી હતી. જ્યાં ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આરોપી આદિલની અટકાયત કરી હતી. જેની પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાં રહેતા વધુ બે શખસોના નામ સામે આવ્યા હતા. જેથી મુંબઈ પોલીસ વડોદરા પહોંચી હતી અને આજવા રોડ પર રહેતા મહંમદ વસીમ અને તાંદલજામાં રહેતા મહંમદ અર્શિલની પણ અટકાયત કરી હતી. પોલીસ ત્રણેયને વહેલી સવારે મુંબઈ લઇ ગઈ હતી અને કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ધમકીભર્યો ઈ-મેઇલ રણુ ગામના આદિલના ફોનમાંથી થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગતરાત્રે મુંબઈ ATSએ મેમણ જમાતખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરી હતી.
ઇન્ટરનેટ રાઉટર અને CCTV ફૂટેજ કબ્જે કર્યાં
વડોદરા તાંદલજાના રિઝવાન ફ્લેટમાં રહેતા અર્શિલે ઈ-મેઇલ કર્યો હોવાની આશંકાને પગલે મુંબઈ ATSએ સર્ચ કર્યું હતું અને ઇન્ટરનેટ રાઉટર અને CCTV ફૂટેજ કબ્જે કર્યાં હતા. ત્યારબાદ મુંબઈ ATSએ વધુ તપાસ શરૂ કરી છે.આરબીઆઈ સાથે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સહિત 11 ઠેકાણે બોમ્બ મુકાયો છે, એવી માહિતી ઈ-મેઈલમાં આપવામાં આવી હતી. તેમાં શક્તિકાંતાદાસ અને નિર્મલા સીતારામને રાજીનામું આપવું એવી માગણી પણ કરવામાં આવી હતી. મંગળવારે સવારે 11 વાગ્યે આ ઈ-મેઈલ આવ્યો હતો. જે પછી પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરાઈ હતી. જોકે, કશું જ વાંધાજનક મળ્યું નહોતું. આ અંગે એમઆરએ માર્ગ પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.
આ પણ વાંચોઃ ASI માંથી PSIનું પ્રમોશન મેળવનાર 523 પોલીસકર્મીઓને અપાયા પોસ્ટીંગ