કોલ્ડપ્લે કોન્સર્ટના પગલે મુંબઈ-અમદાવાદ એરફેર રૂ.22000ને પાર, ટ્રેનમાં વેઈટિંગ


- અમદાવાદ આવવા માટેના વિમાની ભાડામાં તોતિંગ વધારો થયો
- મુંબઈથી અમદાવાદની અનેક ટ્રેનમાં પણ 300થી વધુનું વેઇટિંગ
- અમદાવાદ આવવા માટે ટ્રેનની ટિકિટ માટે પણ ભારે પડાપડી
યુવાનોના દિલો પર રાજ કરતુ રોક બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ આગામી 25-26 જાન્યુઆરીના દિવસે અમદાવાદ ખાતે યોજાશે. આ કોન્સર્ટ માટે દેશ-વિદેશના રોક મ્યુઝિકના ફેન્સ અમદાવાદના મહેમાન બનશે.
અમદાવાદ આવવા માટેના વિમાની ભાડામાં તોતિંગ વધારો થયો
કોલ્ડપ્લે કોન્સર્ટના કારણે મુંબઈ, બેંગલુરૂ, હૈદરાબાદથી અમદાવાદ આવવા માટેના વિમાની ભાડામાં તોતિંગ વધારો થયો છે. મુંબઈથી અમદાવાદની અનેક ટ્રેનમાં પણ 300થી વધુનું વેઇટિંગ છે. તેમજ મુંબઈ-અમદાવાદનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં 2800 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ, 25 જાન્યુઆરીના દિવસે, જ્યારે કોલ્ડપ્લેનો કોન્સર્ટ છે ત્યારે વન-વે એરફેર રૂપિયા 10,800 થી 22 હજાર રૂપિયા થઈ ગયું છે.
અમદાવાદ આવવા માટે ટ્રેનની ટિકિટ માટે પણ ભારે પડાપડી
અમદાવાદ આવવા માટે ટ્રેનની ટિકિટ માટે પણ ભારે પડાપડી થઈ રહી છે. 26 જાન્યુઆરીએ વંદે ભારતમાં 345, શતાબ્દી એક્સપ્રેસમાં 286, તેજસ એક્સપ્રેસમાં 88, કર્ણાવતી એક્સપ્રેસમાં 118 અને ડબલ ડેકરમાં 127 જેટલું વેઇટિંગ છે. ભારે ઘસારાને ધ્યાનમાં રાખી રેલવે વિભાગ દ્વારા બે સ્પેશિયલ ટ્રેન દોડાવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યે અમદાવાદથી રવાના થઈને સવારે 4:20 વાગ્યે બાન્દ્રા પહોંચશે. આ જ પ્રકારે બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરીએ બાન્દ્રા ટર્મિનસથી સવારે 5:35 વાગ્યે રવાના થઈને એ જ દિવસે બપોરે 1:45 વાગ્યે અમદાવાદ પહોંચશે.