મુંબઈ 26/11 હુમલાને આજે 15 વર્ષ પૂર્ણ : 10 આતંકીઓ દ્વારા 60 કલાકનો આતંક અને અંધાધૂંધ ગોળીબાર
- ભારત માટે 26 નવેમ્બર 2008નો કાળો દિવસ ક્યારેય ભૂલવો શક્ય નથી
- 26\11નો હુમલો આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી મોટો આતંકી હુમલો
- 18 સુરક્ષાકર્મી સહિત 166 લોકો માર્યા ગયા તો 300થી વધુ લોકો થયા હતા ઘાયલ
અમદાવાદ, 26 નવેમ્બર : ભારત માટે 26\11\2008ની આ તારીખને ક્યારેય ભુલાવી શક્ય નથી. ત્યારે આજે દેશ મુંબઈમાં થયેલા આતંકી હુમલાની 15મી વર્ષી મનાવી રહ્યો છે પરંતુ આ દિવસને યાદ કરીને દેશવાસીઓ આજે પણ ચોકી ઉઠે છે. આ આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી મોટો આતંકી હુમલો હતો. આ તે દિવસ હતો જ્યારે સપનાની નગરી મુંબઇમાં પાકિસ્તાનથી આવેલા 10 આતંકીઓ દ્વારા સતત 60 કલાક સુધી અંધાધૂંધ ગોળીબાર, બોમ્બ બ્લાસ્ટ વિગેરે કરીને આતંક ફેલાવવામાં આવ્યો હતો. આ હુમલામાં 18 સુરક્ષાકર્મી સહિત 166 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકીઓએ દેશની સૌથી સુરક્ષિત જગ્યામાંથી એક તાજ મહેલ હોટલને નિશાન બનાવી હતી. આ આતંકવાદીઓમાં અજમલ કસાબ પણ સામેલ હતો, જેને સુરક્ષાદળોએ જીવતો પકડ્યો હતો, જેને ફાંસીની સજા આપવામાં આવી. જૂઓ આ વીડિયો…
26\11ની તારીખ ભારત માટે વિનાશક દિવસ
ભારતમાં ’26 નવેમ્બર 2008′ એક એવી તારીખ છે કે તેને યાદ કરતાં દરેકની આંખો ઉદાસ થઈ જાય છે, આંખો સામે આતંકની તસવીરો તરવરવા લાગે છે. આ તારીખ દેશની આર્થિક રાજધાની મુંબઈના જૂના ઘાને તાજા કરે છે. આજના દિવસે, 15 વર્ષ પહેલા, મુંબઈ વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાઓમાંના એકનું સાક્ષી બન્યું હતું. પાકિસ્તાનના કરાચીથી પ્રશિક્ષિત અને અત્યાધુનિક હથિયારોથી સજ્જ લશ્કર-એ-તૈયબાના 10 આતંકી એક બોટ દ્વારા મુંબઇ આવ્યા હતા. દરિયાઇ માર્ગે તેમણે મુંબઇમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય નૌકા દળથી બચીને રસ્તામાં એક ભારતીય બોટનું અપહરણ કર્યું અને આ બોટમાં સવાર તમામ લોકોને મારી નાખ્યા. આ બોટ દ્વારા તેઓ રાતના 8 વાગ્યે કોલાબા પાસે માછલી બજારમાં ઉતર્યા હતા.
મુંબઈમાં 26/11ની રાત્રે શું થયું હતું
આ આતંકવાદી હુમલાઓમાં 160થી વધુ લોકો માર્યા ગયા અને 300થી વધુ ઘાયલ થયા હતા. 26 નવેમ્બર 2008ની એ રાત્રે મુંબઈમાં બધું સામાન્ય ચાલી રહ્યું હતું. એકાએક આખા શહેરમાં અરાજકતા અને ભયનો માહોલ સર્જાયો હતો. શરૂઆતમાં કોઈને ખ્યાલ નહોતો કે મુંબઈમાં આટલો મોટો આતંકવાદી હુમલો થયો છે. લગભગ 10 વાગ્યાની આસપાસ બોરી બંદરમાં એક ટેક્સીમાં વિસ્ફોટ થયો, જેમાં ડ્રાઇવર અને બે મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો.
જેના 20 મિનિટ બાદ વિલે પાર્લે વિસ્તારમાં એક ટેક્સીમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે ડ્રાઇવર અને એક મુસાફરનું મૃત્યુ થયું હતું. આ બંને હુમલામાં 15 જેટલા ઘાયલ પણ થયા હતા. આ પછી, મુંબઈમાં ઘણી જગ્યાએ ગોળીબારની ઘટનાઓ સામે આવી, ત્યારે મુંબઈ પોલીસ અને ઈન્ટેલિજન્સે જાણ્યું કે આ એક મોટો આતંકવાદી હુમલો છે. હુમલાખોરોએ મુંબઈની બે ફાઈવ સ્ટાર હોટલ ઓબેરોય ટ્રાઈડેન્ટ અને તાજ, છત્રપતિ શિવાજી રેલ્વે સ્ટેશન, નરીમાન હાઉસ જ્યુઈશ સેન્ટર, લિયોપોલ્ડ કાફે અને કામા હોસ્પિટલને નિશાન બનાવી હતી.
તાજ અને ઓબેરોયમાં આતંકીઓની દહેશત
તાજ હોટલમાં 450 મહેમાનો અને ઓબેરોય ટ્રાઇડેન્ટમાં 380 મહેમાનો હાજર હતા જ્યારે આતંકવાદીઓએ આ બંને સ્થળોએ હુમલો કર્યો હતો. તાજ હોટલના ગુંબજમાંથી નીકળતો ધુમાડો મુંબઈ આતંકવાદી હુમલાનું પ્રતીક બની ગયો હતો. બે આતંકવાદીઓએ લિયોપોલ્ડ કાફે પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. અહીં લગભગ 10 લોકોના મોત થયા છે. આ કાફે 1887 થી કાર્યરત છે અને મોટે ભાગે વિદેશી મહેમાનો દ્વારા મુલાકાત લેવામાં આવે છે. અજમલ આમિર કસાબ અને ઈસ્માઈલ ખાન સીએસએમટી સ્ટેશન પર ફાયરિંગમાં સામેલ હતા, જેમાં 58 લોકોના જીવ ગયા હતા.
મુંબઈ પર આતંકવાદી હુમલાના સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા હતા. પોલીસ અને ઇન્ટેલિજન્સ તેમની કામગીરી શરૂ કરી દીધી હતી. આ ક્રમમાં ચાર હુમલાખોરો પોલીસ વાનને હાઇજેક કરીને કામા હોસ્પિટલમાં ઘૂસ્યા હતા. આ હોસ્પિટલની બહાર આતંકવાદીઓ સાથેની અથડામણમાં મુંબઈ એટીએસના વડા હેમંત કરકરે, મુંબઈ પોલીસના અશોક કામટે અને વિજય સાલસ્કર શહીદ થયા હતા. તે જ રાત્રે, સ્કોડા કારને હાઇજેક કરીને ભાગતી વખતે, સબ ઇન્સ્પેક્ટર તુકારામ ઓમ્બલેએ આમિર અજમલ કસાબને જીવતો પકડી લીધો અને તેની સાથે આવેલો આતંકવાદી માર્યો ગયો. આ દરમિયાન કસાબે તુકારામને ગોળી મારી દીધી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
ઓપરેશન ચાર દિવસ સુધી ચાલ્યું
મુંબઈ આતંકવાદી હુમલાનો સૌથી મોટો પડકાર તાજ હોટેલ અને ઓબેરોય ટ્રાઈડેન્ટમાં ફસાયેલા લોકોને અને ત્યાં હાજર આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો હતો. આ માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે એનએસજી કમાન્ડોએ ચાર્જ સંભાળ્યો હતો. ઓબેરોય હોટલમાં એનએસજીએ બંને આતંકવાદીઓને ઠાર કર્યા અને તમામ બંધકોને છોડાવ્યા, પરંતુ તાજ હોટેલમાં ઓપરેશન લાંબા સમય સુધી ચાલ્યું. 4 આતંકવાદીઓએ તાજમાં ઘૂસીને 31 લોકોને ઠાર કર્યા હતા. તેઓએ હોટલના એક ભાગમાં ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. આ હોટલમાં ઓપરેશન દરમિયાન મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન શહીદ થયા હતા. અહીં 29 નવેમ્બરની સવાર સુધીમાં NSGએ ચારેય આતંકીઓને ઠાર કર્યા હતા અને બંધકોને છોડાવી લીધા હતા.
આ પણ જુઓ :મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ઈમેલ દ્વારા 10 લાખ ડોલર માંગ્યા