- RBI કહે છે કે આનાથી ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયા સરળ બનશે. આ ફેરફાર ખાસ કરીને પરિવારના અન્ય સભ્યો વતી ટ્રાન્ઝેક્શન કરવા માંગતા લોકો માટે ફાયદાકારક રહેશે
દિલ્હી, 09 ઓગસ્ટ: તમારું UPI એકાઉન્ટ તમારા પરિવારના સભ્યો તમારી સંમતિથી વાપરી શકશે. UPI સંબંધિત RBIની આ નીતિ ખાસ કરીને પતિ-પત્ની, બાળકો અથવા વૃદ્ધ માતા-પિતા જેવા પરિવારના સભ્યો માટે ઉપયોગી સાબિત થશે. આ સુવિધા ડેલિગેટ્સ પેમેન્ટ્સ તરીકે ઓળખાય છે.
આ બદલાવથી વ્યવહારો વધુ સરળ બનશે
વાસ્તવમાં, ગુરુવારે મોનેટરી પોલિસીની બેઠક પછી આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આ નવી સુવિધા વિશે માહિતી આપી હતી. આ નવી સુવિધા દ્વારા પ્રાથમિક ગ્રાહક (એટલે કે જેના નામે એકાઉન્ટ છે) અન્ય કોઈને તેના UPI એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે અધિકૃત કરી શકે છે. આમાં બેંક ખાતું ફક્ત સિંગલ હશે, પરંતુ ઘણા લોકો તેનાથી UPI ટ્રાન્ઝેક્શન કરી શકશે. બીજું, યુઝરને યુપીઆઈ સાથે જોડાયેલા બેંક ખાતાની જરૂર રહેશે નહીં, જેનાથી વ્યવહારો વધુ સરળ બનશે.
UPIમાં મોટા ફેરફારોની તૈયારી
આરબીઆઈનું કહેવું છે કે આનાથી ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયા સરળ બનશે. આ ફેરફાર ખાસ કરીને પરિવારના અન્ય સભ્યો વતી ટ્રાન્ઝેક્શન કરવા માંગતા લોકો માટે ફાયદાકારક રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ડેલિગેટેડ પેમેન્ટ્સ અંગે સૂચન કર્યું છે, જેના પછી કોઈપણ અન્ય વ્યક્તિ પૈસા ખર્ચી શકશે અને તમારા UPI એકાઉન્ટમાંથી ચૂકવણી કરી શકશે. જો કે હજુ સુધી તેનો અમલ થયો નથી. પરંતુ આરબીઆઈએ કહ્યું કે આના પર કામ ચાલી રહ્યું છે.
ક્રેડિટ કાર્ડની જેમ UPI પેમેન્ટ સિસ્ટમ બનવાની તૈયારી
અત્યાર સુધી લોકો ખાનગી રીતે UPI પેમેન્ટ કરે છે, એક બેંક એકાઉન્ટ સાથે માત્ર એક UPI ID બનાવવામાં આવે છે, અને તેનો ઉપયોગ ફક્ત એક જ વપરાશકર્તા ઉપયોગ કરી શકે છે. પરંતુ હવે એક બેંક ખાતામાંથી એકસાથે બહુવિધ UPI પેમેન્ટ સિસ્ટમ ચલાવવાની ચર્ચા છે. જો આપણે એક ઉદાહરણથી સમજીએ તો ઘણા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, તેવી જ રીતે UPI પેમેન્ટ સિસ્ટમ બનાવવાની તૈયારી ચાલી રહી છે.
UPI ડેલિગેટ્સ પેમેન્ટ્સ શું છે?
સરળ શબ્દોમાં સમજોઃ તમારી પાસે તમારા UPI એકાઉન્ટની માસ્ટર એક્સેસ હશે અને તમે ચૂકવણી માટે અન્ય કોઈને પણ એકાઉન્ટની ઍક્સેસ આપી શકશો. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) માં આ ફેરફાર તેને વધુ લોકપ્રિય બનાવશે તેવું કહેવાય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તાજેતરમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અથવા UPI ની આ નવી સુવિધાની જાહેરાત કરી છે. હાલમાં UPI પેમેન્ટનો ઉપયોગ ભારત સિવાય વિશ્વના ઘણા દેશોમાં થઈ રહ્યો છે. જો આપણે દેશની વાત કરીએ તો UPIનો શહેરથી લઈને ગામડાં સુધી વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે લોકોને તેમના વ્યવહારો અને બેલેન્સ વિશેની માહિતી રિયલ ટાઈમમાં મળે છે.
RBIની બેઠકમાં લેવામાં આવ્યા આ મોટા નિર્ણયો
આ સાથે RBIએ UPI દ્વારા ટેક્સ પેમેન્ટની મર્યાદા પણ વધારી દીધી છે. પહેલા આ મર્યાદા 1 લાખ રૂપિયા જ હતી, જે હવે વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ફેરફારથી UPI દ્વારા મોટી રકમના પેમેન્ટ કરવાનું સરળ બનશે. RBIની મોનેટરી પોલિસી કમિટીએ 8 ઓગસ્ટે સતત 9મી વખત રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. અને એ જાહેરાતની સાથે આ યુપીઆઈ ડેલિગેટ્સ પેમેન્ટની જાહેરાત કરવામાં આવી હતી જે હવે પછી અમલમાં આવશે.
આ પણ વાંચો: સરકાર નવો બેંકિંગ કાયદો લાવવાની તૈયારીમાં, જાણો શું હશે તેના નિયમો