મુખ્તાર અંસારીના ભાઈ અફઝલની લોકસભાની સદસ્યતા ખતમ, કોર્ટે 4 વર્ષની સજા ફટકારી


માફિયા મુખ્તાર અંસારીના મોટા ભાઈ અફઝલ અંસારીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે. લોકસભા સચિવાલયે આ મામલે એક સૂચના બહાર પાડી હતી. અફઝલ અંસારી છ વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. અફઝલને ગેંગસ્ટર એક્ટ કેસમાં ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ જણાવે છે કે ફોજદારી કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા માટે દોષિત ઠરેલા કોઈપણ વ્યક્તિને ‘આવી સજાની તારીખથી’ ગેરલાયક ઠેરવવામાં આવશે અને જેલમાં રહ્યા પછી છ વર્ષ સુધી અયોગ્યતા ચાલુ રહેશે.
મુખ્તાર અંસારીને પણ સજા થઈ
આ જ ગેંગસ્ટર એક્ટના 14 વર્ષ જૂના કેસમાં મુખ્તાર અંસારીને પણ 10 વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. 22 નવેમ્બર, 2007ના રોજ અફઝલ અંસારી અને મુખ્તાર અંસારીનો ગાઝીપુર જિલ્લાના મોહમ્મદબાદ કોતવાલી ખાતે ગેંગસ્ટર ચાર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમની સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
બસપાની ટિકિટ પર સાંસદ બન્યા હતા
ત્યારબાદ, 23 સપ્ટેમ્બર, 2022ના રોજ બંને સામે આરોપો ઘડવામાં આવ્યા હતા અને ફરિયાદી પક્ષના પુરાવા પૂર્ણ થયા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે આ કેસમાં મુખ્તાર અને અફઝલ અંસારીને સજા સંભળાવી હતી. અફઝલ અંસારી ગાઝીપુર સંસદીય મતવિસ્તારથી બસપાની ટિકિટ પર જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. મુખ્તાર અંસારી પડોશી જિલ્લા મૌની મૌ સદર વિધાનસભા બેઠક પરથી સતત પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ, ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે આપ્યો ચૂકાદો
મુખ્તાર અંસારીએ 2022માં વિધાનસભાની ચૂંટણી લડી ન હતી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી તરફથી નસીબ અજમાવી રહેલા તેમના પુત્ર અબ્બાસ અન્સારી તેમની બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. મુખ્તાર અંસારી હાલમાં ગુનાહિત કેસમાં બાંદાની જેલમાં બંધ છે. મુખ્તારને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જોકે અફઝલ અંસારી કોર્ટમાં હાજર થયો હતો અને સજા સંભળાવ્યા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.