ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લેબ ગ્રોન ડાયમંડ કિંગની PM સાથે મુલાકાત, વિકાસને મળશે વેગ

Text To Speech

હીરો બનવું હોય તો તપવું પડે. આગની ભઠ્ઠીમાં શેકાવું પડે. અગનભઠ્ઠીમાં બરાબર તપ્યા બાદ જ પથ્થરમાંથી હીરો બને છે. કંઈક આવી જ રીતે પોતાની પ્રતિભા, પોતાનો વિશ્વાસ અને પોતાનું વ્યક્તિત્વ અનુભવોની અગનભઠ્ઠીમાં તપાવ્યા બાદ સુરતના મુકેશભાઈ પટેલે માત્ર ગુજરાત કે દેશ નહીં સમગ્ર દુનિયામાં ડંકો વગાડ્યો છે. સુરતની ગ્રીનલેબ ડાયમંડ્સ કંપનીના માલિક મુકેશભાઈ પટેલે દેશના પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી. PM સમક્ષ મુકેશભાઈને લેબ ગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીને પ્રસ્તુત કરવાની તક મળી.

લેબ ગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીને પ્રસ્તુત કરવાનો મુકેશભાઈનો મુખ્ય ઉદેશ્ય આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં લેબ ગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીની સમર્થતાને ઉજાગર કરવાનો હતો. 1 કલાક અને 30 મિનિટ સુધી થયેલી આ મુલાકાતમાં પીએમ મોદી સાથે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ પણ હતા. તેમણે દરેક મુદ્દાની ઉંડા રસ અને ખંત સાથે નોંધ લીધી. ત્યારબાદ, લેબ ગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીને કેન્દ્ર સરકારના સંપૂર્ણ સમર્થનની ખાતરી સાથે આ બેઠક સમાપ્ત થઈ.

મુકેશ પટેલની PM સાથે મુલાકાતની ફાઈલ તસવીર

ઓમ, નમઃ અને શિવાય નામના ત્રણ લેબ ગ્રોનની ચળકાટ માત્ર રાજ્ય કે દેશ નહીં પણ સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. લેબ ગ્રોન હીરાના ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલી ગ્રીન લેબ ડાયમંડ્સ દ્વારા બનાવેલા આ ત્રણેય હીરાએ ચીનને પછડાટ આપી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. 27.27 કેરેટના વિશ્વના સહુથી મોટા માર્ક્વિઝ સ્ટેપ કટ પોલિશ્ડ લેબ ગ્રોન ડાયમંડ ‘ઓમ’ને ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટે પ્રમાણિત કરતા વિશ્વ રેકોર્ડ બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ ચીનના નામે હતો. તે રેકોર્ડને તોડી ઓમ, નમઃ અને શિવાય નામના આ ત્રણેય હીરાએ લેબગ્રોન ક્ષેત્રમાં માત્ર સુરત કે ગુજરાત નહીં પણ ભારત દેશનું નામ રોશન કર્યું છે.

ઓમ, નમઃ અને શિવાય ડાયમંડ્સ

ચીનના નામે હતો રેકોર્ડ
સૌથી મોટો જાણીતો પોલિશ્ડ CVD ડાયમંડ પ્રિન્સેસ કટ 16.41 કેરેટ વજનનો જી-કલર હીરાને ચીનની શાંઘાઈ ઝેંગશી ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે VVS2 સ્પષ્ટતા ધરાવતો હીરો હતો. જેને HPHT ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. આ હીરાને અમેરિકાની જેમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટે ગત જાન્યુઆરીમાં પ્રમાણિત કર્યો હતો. હવે ભારતીય ગ્રીનલેબ ડાયમંડ્સ એલએલપી દ્વારા લેબમાં તૈયાર કરવામાં આવેલા ‘ઓમ’ નામના હીરાએ તેનો રેકોર્ડ બ્રેક કરી દીધો છે.

‘ઓમ’ ડાયમંડ

કેવી રીતે બનાવાયો ‘ઓમ’ ડાયમંડ?
સુરતની ગ્રીનલેબ ડાયમંડ્સ દ્વારા લેબમાં તૈયાર કરવામાં આવેલા માર્ક્વિઝ સ્ટેપ કટ હીરાનું ‘ઓમ’ નામ આપવામાં આવ્યુ છે. 27.27 કેરેટ વજનના વિશ્વના સહુથી મોટા માર્ક્વિઝ સ્ટેપ કટ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ ‘ઓમ’ને પ્રમાણિત કરનાર ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે આ હીરો રાસાયણિક વરાળ ડિપોઝિશનનો ઉપયોગ કરીને લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે.

‘નમઃ’ અને ‘શિવાય’ ડાયમંડ

‘નમઃ’ અને ‘શિવાય’ ડાયમંડનું કેટલું વજન?
ઓમ નામના લેબગ્રોન હીરાની સાથે IGIએ ગ્રીનલેબ ડાયમંડ્સ દ્વારા પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલા અન્ય વધુ બે નમ: અને શિવાય નામના લેબગ્રોન હીરાને પણ પ્રમાણિત કર્યો છે. ‘નમ:’ હીરાનું વજન 15.16 કેરેટ છે અને તે પિઅર રોઝ કટ પોલિશ્ડ હીરો છે. જ્યારે ‘શિવાય’ નામનો હીરો 20.24 કેરેટ વજન ધરાવે છે અને તે એમરાલ્ડ કટ પોલિશ્ડ હીરો છે.

Back to top button