મુકેશ અંબાણીનો દબદબો, રિલાયન્સ ત્રીજી વખત બની દેશની નંબર 1 કંપની
HD ન્યૂઝ ડેસ્ક, 13 ફેબ્રુઆરી: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ દબદબો જાળવી રાખ્યો છે અને તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ફરી એકવાર દેશની ટોચની કંપનીનો ખિતાબ જીત્યો છે. એક્સિસ બેંકના ખાનગી બેંકિંગ એકમ બર્ગન્ડી પ્રાઈવેટ (Burgundy Private) અને હુરુન ઈન્ડિયા (Hurun India)ના અહેવાલ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સતત ત્રીજા વર્ષે પણ સૌથી ધનીક પેઢી ગણવામાં આવી છે.
આ 3 કંપનીઓ ટોપમાં
બર્ગન્ડી પ્રાઈવેટ અને હુરુન ઈન્ડિયા રિપોર્ટમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ટોચ પર છે. આ રિપોર્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપિટલ 15.6 લાખ કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે અને આ આંકડા સાથે તે દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં પ્રથમ સ્થાન પર છે. આ સિવાય રિલાયન્સ સાથે ડિમર્જર બાદ બનેલી અંબાણીની નવી કંપની Jio Financial Services એ 28મો રેન્ક હાંસલ કર્યો છે.
રિલાયન્સ પછી, ટોપ-3 સૌથી મૂલ્યવાન કંપનીઓમાં, ટાટા ગ્રૂપની ટેક જાયન્ટ TCS રૂ. 12.4 લાખ કરોડની માર્કેટ મૂડી સાથે બીજા સ્થાને છે, જ્યારે HDFC બેન્ક રૂ. 11.3 લાખ કરોડની માર્કેટ મૂડી સાથે ત્રીજા સ્થાને છે. એચડીએફસી બેંક વિશે, રેન્કિંગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જર પછી, આ બેંક 10 લાખ કરોડ રૂપિયાની બજાર મૂડીને પાર કરનારી ભારતની ત્રીજી એન્ટિટી બની ગઈ છે.
માર્કેટ કેપિટલમાં મોટો ઉછાળો
દેશની જે કંપનીઓને વર્ષ 2023ની બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયાની યાદીમાં સામેલ કરવામાં આવી છે, તે લગભગ 70 લાખ લોકોને રોજગાર આપી રહી છે. રિપોર્ટ અનુસાર, સંસ્થા દીઠ સરેરાશ 15,211 કર્મચારીઓ છે અને યાદીમાં 437 કંપનીઓના બોર્ડમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ છે. હુરુનના જણાવ્યા અનુસાર, આ કંપનીઓની કુલ બજાર મૂડી વધીને રૂ. 231 લાખ કરોડ થઈ છે, જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો રૂ. 226 લાખ કરોડ હતો.
આ પણ વાંચો: દેશમાં છૂટક ફુગાવો ઘટીને જાન્યુઆરી 2024માં 5.1% પર પહોંચી ગયો