શું મુકેશ અંબાણી Paytmનો બિઝનેસ ખરીદશે?
- Paytmના બિઝનેસ ખરીદવાના સમાચાર વચ્ચે મુકેશ અંબાણીની કંપની Jio Financial Servicesના શેરમાં 14 ટકાનો ઉછાળો
મુંબઈ, 6 ફેબ્રુઆરી: Paytmની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે, ઓનલાઈન પેમેન્ટ સેવાઓ પૂરી પાડતી આ આ કંપની દરરોજ ભારે નુકસાનનો સામનો કરી રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બેંકિંગ સેવાઓ પર પ્રતિબંધના આદેશ પછી, Paytmના શેર સતત ઘટતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, સોમવારે એક સમાચાર ફરતા થયા હતા કે Paytmનો વોલેટ બિઝનેસ વેચાવા જઈ રહ્યો છે અને મુકેશ અંબાણીની નવી કંપની JioFinancial Services તેને ખરીદવામાં રસ દાખવી રહી છે. આ સમાચારની અસર JioFin ના શેર પર પણ જોવા મળી હતી અને તેના શેરમાં 14 ટકાનો ઉછાળો આવ્યો હતો. પરંતુ આ સમાચારોમાં કેટલા સાચા છે તે અંગે Jio Finance અને Paytm બંને તરફથી સ્પષ્ટતા કરી છે.
Paytm સ્ટોક ક્રેશ થયો, JioFin સ્ટોક વધ્યો
આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમની મુશ્કેલીઓ વધી ગઈ છે અને આ દરમિયાન પેટીએમની પેરેન્ટ કંપની One97 Communication Ltdના શેર દરરોજ ઘટી રહ્યા છે. સોમવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ શેરબજાર ખુલતાની સાથે જ તે 10 ટકાની નીચલી સર્કિટ પર જઈ રોકાયું હતું. બીજી તરફ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નવી કંપની Jio Financial Servicesના શેર રોકેટની જેમ ઉડતા જોવા મળ્યા છે. દિવસના ટ્રેડિંગ દરમિયાન, Jio ફાયનાન્સિયલ સર્વિસિસના શેરમાં તેજી જોવા મળી અને ટ્રેડિંગના અંતે તે 14 ટકાના મજબૂત ઉછાળા સાથે રૂ. 289ના સ્તરે બંધ થયો હતો.
શું Jio ખરીદશે Paytmનો વોલેટ બિઝનેસ?
Jio ફાઇનાન્શિયલના શેરમાં આ વધારો વાસ્તવમાં કેટલાક અહેવાલો પછી જોવા મળ્યો હતો, જેમાં મુકેશ અંબાણીની NBFC કંપની દ્વારા Paytmના વોલેટ બિઝનેસને ખરીદવાની તૈયારી વિશે વાત કરવામાં આવી હતી. આ અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે NBFC JioFIn Paytm ના વોલેટ બિઝનેસને હસ્તગત કરવા માટે One97 કોમ્યુનિકેશન સાથે વાતચીત કરી રહી છે. જો કે, મોડી સાંજે અંબાણીની કંપની જેએફએસએલએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ સમાચારો અંગે સ્પષ્ટતા આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, ‘આ બધી માત્ર અટકળો છે અને અમે આ સંદર્ભમાં કંઈપણ ચર્ચા કરી રહ્યા નથી.’
Paytmએ પણ સમાચાર ખોટા ગણાવ્યા
મુકેશ અંબાણીની Jio Financial Services સાથે Paytm એ પણ આવા અહેવાલો પર સ્પષ્ટતા આપી છે. ફિનટેક ફર્મે કહ્યું છે કે, ‘તે તેના વોલેટ બિઝનેસને વેચવા માટે કોઈપણ કંપની સાથે વાતચીત કરી રહી નથી.’ કંપની સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની વેચાણ માટે કોઈ કંપની સાથે કોઈ ચર્ચામાં નથી. નોંધનીય છે કે ટ્રેડિંગના માત્ર ત્રણ દિવસમાં Paytmના શેરમાં 43 ટકાનો ઘટાડો થયો છે અને કંપનીના માર્કેટ કેપમાં રૂ. 20,500 કરોડથી વધુનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: Paytm કેસઃ એક પાન કાર્ડ ઉપર 1000 ખાતાં! આ રીતે RBIના રડાર પર આવ્યું?