મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી
- મુકેશ અંબાણીને ઈમેલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી
- અજાણ્યા વ્યક્તિએ ઈમેલ પર અંબાણીની પાસે 20 કરોડ રૂપિયાની માંગણી કરી
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. વ્યક્તિએ ઈમેલ પર 20 કરોડ રૂપિયાની માંગણી કરી છે. 20 કરોડ રૂપિયા ન આપવાના બદલામાં વ્યક્તિએ લખ્યુ છે કે તે તેમને મારી નાખશે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીને તેમના ઈમેલ આઈડી પર ઈનબોક્સમાં એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે જો મુકેશ અંબાણી એ અજાણ્યા વ્યક્તિને 20 કરોડ રૂપિયા નહીં આપે તો તે મુકેશ અંબાણીને જાનથી મારી નાખશે. ઈમેલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે વ્યક્તિ પાસે ભારતના બેસ્ટ શૂટર્સમાંથી એક છે. મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે પોલીસને આ અંગે જાણકારી આપી છે.ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પહેલા પણ મળી હતી ધમકી
આ પહેલા પણ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે. અગાઉ 6 ઓક્ટોબર 2022 ના રોજ તેમને ધમકી આપનાર વ્યક્તિની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ 30 વર્ષીય રાકેશ કુમાર મિશ્રા તરીકે થઈ હતી.આરોપીએ 5 ઓક્ટોબર 2022ના રોજ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ફોન કરીને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં આરોપીએ આખી હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન પોલીસે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસે માહિતી આપી હતી કે આરોપી યુવક બેરોજગાર છે.
આ પણ વાંચો, ધણી ધોરી વગરનું જુનાગઢના માળીયા હાટીનાનું સામુહિક આરોગ્ય કેન્દ્ર