મુકેશ અંબાણીને ચોથી વાર ધમકી મળી, શાદાબ ખાનના નામે આવ્યો ઈમેલ
- મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.
- આ વખતે ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ જાહેર કરીને તેનું નામ શાદાબ ખાન હોવાનું જણાવ્યું છે.
- નવા મેલમાં અંબાણીને ચેતવણી આપવામાં આવી છે કે ઈમેલ અને પૈસાની માંગને અવગણશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.
મંબઈ: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ વખતે બે ધમકીભર્યા ઈમેલ આવ્યા છે અને ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ શાદાબ ખાન તરીકે આપી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલની સંખ્યા વધી રહી છે. છેલ્લા 7 દિવસમાં મુકેશ અંબાણીને 4 વખત ધમકી મળી છે. આ નવા ઈમેલમાં અંબાણીને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર વચ્ચે મોકલવામાં આવેલા ઈમેલ અને પૈસાની માંગને અવગણશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જે ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો તે બેલ્જિયમ સ્થિત સર્વર પરથી એક જ ઈમેલ આઈડી પરથી બે ઈમેલ મળ્યા હતા.આ પહેલા પણ મુકેશ અંબાણીને એક જ ઈમેલ આઈડીથી અને એક જ શાદાબ ખાન તરફથી ત્રણ ધમકીભર્યા મેઈલ મળ્યા હતા.
સૌથી પહેલા 27 ઓક્ટોબર શનિવારના રોજ ધમકી આપનાર વ્યક્તિએ 20 કરોડ રૂપિયા માંગ્યા હતા અને બીજા દિવસે તેને વધારીને 200 કરોડ રૂપિયા કરી દીધા હતા. આ પછી ત્રીજા ઈમેલમાં ખંડણીની રકમ વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી. એવું પણ લખવામાં આવ્યું છે કે જો પોલીસ મને શોધી શકતી નથી તો મારી ધરપકડ પણ નહીં કરી શકે. આ ઈમેલ પણ એ જ સરનામેથી આવ્યો છે જેમાંથી અગાઉના ઈમેલ આવ્યા હતા.
IP એડ્રેસ બેલ્જિયમનું છે
મુંબઈ પોલીસ હજુ પણ ઈન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે જૂના ઈમેલનું IP એડ્રેસ શોધવામાં વ્યસ્ત છે. પોલીસે ઈન્ટરપોલ દ્વારા આ ઈમેલની વિગતોની ચકાસણી કરવા માટે બેલ્જિયમની વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક કંપની (VPN) પાસેથી મદદ માંગી છે. આ ઈમેલ [email protected] પરથી મોકલવામાં આવ્યા છે. ટેકનિકલ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ IP એડ્રેસ બેલ્જિયમનું છે. પરંતુ પોલીસને શંકા છે કે ધમકી આપનાર વ્યક્તિ અન્ય કોઈ દેશમાં રહે છે અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બેલ્જિયમના વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરી રહી છે.
આ પણ વાંચો, પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર હુમલો, ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા