મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારંભમાં આપી હાજરી
- પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટનમાં હાજરી આપ્યા બાદ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનને પણ મળ્યા
પેરિસ, 27 જુલાઈ: રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ તેમની પત્ની નીતા અંબાણી સાથે પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લીધો હતો. પેરિસના એફિલ ટાવરની સામે મુકેશ અંબાણી અને નીતા અંબાણી આ રંગારંગ કાર્યક્રમનો ભાગ બન્યા હતા. નીતા અંબાણી તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા ભારતમાંથી સભ્ય તરીકે ચૂંટાયાં હતાં. આ સિવાય મુકેશ અંબાણી અને નીતા અંબાણી ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનને પણ મળ્યા છે.
નીતા અંબાણી 2016માં રિયો ઓલિમ્પિક દરમિયાન પણ બન્યાં હતાં સભ્ય
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને 2016માં રિયો ઓલિમ્પિક દરમિયાન ભારતમાંથી પ્રથમ વખત IOCના સભ્ય બનાવવામાં આવ્યા હતા. હવે 8 વર્ષ બાદ તેમને ફરીથી આ સન્માન મળ્યું છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ માટે ભારત તરફથી સભ્ય બનવા માટે તેમને તમામ 93 મતોનું સમર્થન મળ્યું હતું.
નીતા અંબાણીએ વ્યકત કરી હતી ખુશી
નીતા અંબાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે હું આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય તરીકે ફરીથી ચૂંટાવા બદલ સન્માનિત અનુભવું છું. હું થોમસ બાચ અને IOC ખાતેના મારા તમામ સાથીઓનો મારામાં વિશ્વાસ રાખવા બદલ આભાર માનું છું. મારા માટે આ માત્ર એક વ્યક્તિગત સીમાચિહ્નરૂપ નથી પણ રમતગમત ક્ષેત્રે ભારતના વધતા પ્રભાવની ઓળખ પણ છે. હું દરેક ભારતીય સાથે ખુશી અને ગર્વની આ ક્ષણ શેર કરું છું. ભારત અને સમગ્ર વિશ્વમાં ઓલિમ્પિક ચળવળને મજબૂત બનાવવાના અમારા પ્રયાસો ચાલુ રાખવા માટે આતુર છું.
Mr. Mukesh Ambani and Mrs. Nita Ambani having a bilateral meeting with President Macron
Image Copyright ©️ Laurent Blevennec / Présidence de la République française pic.twitter.com/zyW6iU07ao
— Reliance Industries Limited (@RIL_Updates) July 27, 2024
રમતગમત ક્ષેત્રે કરવામાં આવ્યું મોટું રોકાણ
નીતા અંબાણીની IPLની સૌથી લોકપ્રિય ટીમો પૈકીની એક મુંબઈ ઈન્ડિયન્સ છે. આ સિવાય તે મુંબઈ MI કેપ ટાઉન, MI અમીરાત અને મુંબઈ ઈન્ડિયન્સ વિમેન્સ ટીમના પણ માલિક છે. તે ઈન્ડિયન સુપર લીગ (ISL)નું સંચાલન કરતી ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડના સ્થાપક અને પ્રમુખ પણ છે. રિલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) તરફથી 5 સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ અને એકમાત્ર યુવા એકેડમી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બેઈજ્જતી, 24 કરોડની વસ્તીમાંથી માત્ર 7 એથ્લીટ! જૂઓ કોણે કર્યું અપમાન?