કુલભૂષણ જાધવના અપહરણમાં ISIને મદદ કરનાર મુફ્તીની બલૂચિસ્તાનમાં હત્યા


નવી દિલ્હી, 9 માર્ચ : ઈરાનમાંથી કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સી ISIને મદદ કરનાર મુફ્તી શાહ મીરની શુક્રવારે 7 માર્ચના હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ તેને ઘણી નજીકથી ગોળી મારી હતી. આ પછી શાહ મીરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
શાહ મીર બલૂચિસ્તાનના અગ્રણી મુફ્તી હતા. અગાઉ પણ તેના પર બે વખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારની રાતની નમાજ પછી તુર્બતમાં સ્થાનિક મસ્જિદમાંથી બહાર નીકળતી વખતે મોટરસાઇકલ સવાર બંદૂકધારીઓએ તેમના પર હુમલો કર્યો હતો. તેને નજીકથી ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.
ISI સહાયક
શાહ મીર કટ્ટરપંથી પક્ષ જમિયત ઉલેમા-એ-ઈસ્લામ (JUI)ના સભ્ય હતા. મુફ્તી હોવાની આડમાં તેણે હથિયાર અને માનવ દાણચોરીનું કામ કર્યું હતું. તે ISIને પણ મદદગાર હતો. પાકિસ્તાનમાં તે આતંકવાદી છાવણીઓની મુલાકાત લેવાના અવારનવાર અહેવાલો પણ છે, જ્યાં ભારત વિરોધી યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.
ગયા અઠવાડિયે બલૂચિસ્તાનના ખુઝદાર શહેરમાં મીરની પાર્ટીના અન્ય બે સભ્યોની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હત્યાઓ પાછળ કોનો હાથ છે.
કુલભૂષણ જાધવ કેસ
ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવ અકાળ નિવૃત્તિ લીધા બાદ ઈરાનના ચાબહારમાં બિઝનેસ કરતા હતા. 2016માં તેનું ઈરાન-પાકિસ્તાન બોર્ડર પાસે અપહરણ કરવામાં આવ્યું હતું. ISIએ આ મિશન પાર પાડ્યું હતું અને મુફ્તી શાહ મીરે પણ આ કામમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની મદદ કરી હતી.
આ પછી જાધવને પાકિસ્તાની સેનાને સોંપવામાં આવ્યો હતો. તે હજુ પણ પાકિસ્તાનની જેલમાં છે. વર્ષ 2017માં પાકિસ્તાનની કોર્ટે તેને મોતની સજા સંભળાવી હતી. ભારતની અપીલ બાદ, ઈન્ટરનેશનલ કોર્ટે 2019માં તેની ફાંસી પર રોક લગાવી દીધી હતી અને પાકિસ્તાનને તેની સજાની સમીક્ષા કરવા અને તેને કોન્સ્યુલર એક્સેસ આપવા કહ્યું હતું.
આ પણ વાંચો :- ચેમ્પિયન્સ ટ્રોફી : જો રોહિત શર્મા ફાઈનલમાં ટોસ હારશે તો પણ બનશે નવો રેકોર્ડ, જાણો કેવી રીતે