ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કંગના રનૌતના રાજકારણ પ્રવેશ વિશે જેટલા મોઢાં એટલી વાતો…

  • અભિનેત્રી કંગના રનૌતે લોકસભા ચૂંટણી લડવાના આપ્યા સંકેત
  • ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો પોતે લોકસભાની ચૂંટણી લડશે : અભિનેત્રી
  • અત્યાર સુધી અભિનેત્રી રાજકારણમાં આવવાનો ઇનકાર કરતી રહી છે

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત રાજકારણમાં પ્રવેશ બાબતે વારંવાર નિવેદન બદલી રહી છે. છેલ્લા બે વર્ષમાં અલગ અલગ સમાચાર ચૅનલ તથા અલગ મીડિયાએ કંગનાના રાજકારણમાં પ્રવેશ અંગે અલગ અલગ અહેવાલ પ્રકાશિત કર્યા છે. ક્યારેક તેને એમ કહેતા ટાંકવામાં આવી છે કે, પોતે રાજકારણમાં પ્રવેશવા માગે છે અને યોગ્ય તક મળશે ત્યારે નિર્ણય લેશે. તો અન્ય મીડિયામાં તેને એવું પણ કહેતા ટાંકવામાં આવી છે કે, તેને રાજકારણમાં કોઈ રસ નથી અને પોતાની ફિલ્મ કારકિર્દીમાં ખુશ છે. ટૂંકમાં, કંગનાના રાજકારણ પ્રવેશ અંગે જેટલાં મોઢાં એટલી વાતો વારંવાર જોવા મળે છે.

પોતાની નવી ફિલ્મ તેજસના પ્રમોશન માટે દેશના અલગ અલગ શહેરોનો પ્રવાસ કરી રહેલી કંગનાએ હજુ તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતા લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. અભિનેત્રીએ કહ્યું કે, જો ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો તે લોકસભાની ચૂંટણી લડશે. કંગનાએ તાજેતરમાં ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ કંગના રનૌત સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચી હતી. અભિનેત્રી કંગના રનૌત તેના ઉગ્ર વ્યક્તિત્વ માટે પ્રખ્યાત છે. રાજકીય હોય કે સામાજિક, તે દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. કંગનાને રાજકારણમાં આવવાને લઈને અવારનવાર પ્રશ્નો પૂછવામાં આવે છે. અત્યાર સુધી તે તેનો ઇનકાર કરતી રહી છે. પરંતુ આ વખતે તેણે સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.

 

ભગવાન આશીર્વાદ આપશે તો ચૂંટણી લડીશ : અભિનેત્રી

હાલ ફિલ્મ તેજસની રિલીઝ બાદ કંગના રનૌત ગુજરાતના પ્રખ્યાત પ્રવાસ સ્થળ દ્વારકાના જગત મંદિર પહોંચી હતી. જ્યાં તેણીએ દ્વારકાધીશ મંદિરમાં માથું નમાવ્યું હતું. અભિનેત્રીએ નાગેશ્વર મહાદેવ મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ભગવાનના આશીર્વાદ લીધા હતા. આ પછી, મીડિયા સાથે વાત કરતા અભિનેત્રીએ લોકસભા ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો અને જણાવ્યું હતું કે – જો ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો તેઓ લોકસભા ચૂંટણી લડશે.

ઓકટોબર 2022માં અભિનેત્રી કંગના રનૌતે શું જણાવ્યું ?

ઓકટોબર-2022માં રાજનીતિમાં જોડાવાની તેની યોજના વિશે પૂછવામાં આવતા, કંગના રનૌતે આજતકને જણાવ્યું હતું કે, ” સરકાર જો ઇચ્છશે તો ગમે તેવી પરિસ્થિતિમાં રાજનીતિમાં દરેક પ્રકારની ભાગીદારી કરવા માટે હું તત્પર રહીશ. જેમ મેં કહ્યું તેમ, હિમાચલ પ્રદેશના લોકો મને સેવા કરવાનો મોકો આપશે તો તે ખૂબ સરસ રહેશે. તેથી, ચોક્કસપણે આ એક સૌભાગ્યની વાત હશે.

મે-2023માં રાજકારણમાં આવવા અંગે અભિનેત્રીએ શું કહ્યું હતું?

મે-2023માં ABPને આપેલા ઈન્ટરવ્યુમાં કંગના રનૌતને શું તે રાજકારણમાં આવવા ઈચ્છુક છે? તેમ પૂછવામાં આવતાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, “જો તમે કહેશો કે, મારે રાજકારણી બનવું જોઈએ, તો તે ખોટો વિચાર છે. મારે એ જાતે કહેવું જોઈએ નહીં, જનતાએ આ વાત કહેવી જોઈએ. જેઓ સત્તાના હોદ્દા પર છે, જેઓ આ બાબતોને નિયંત્રિત કરે છે, તેઓએ આ કહેવું જોઈએ. મારા માટે આ વાત મહત્ત્વની નથી. તે જનતાએ નક્કી કરવાનું છે અને જે સત્તા ધરાવે છે તેઓ મને તક આપે છે. હું આ નિર્ણય તેમના પર છોડી દઈશ. રાજકારણની દુનિયા મુશ્કેલ છે. એ દુનિયાનો એક ભાગ બનવું એ મારો સ્વભાવ નથી, હું હૃદયથી નરમ કલાકાર છું. હું હંમેશા કલા સાથે જોડાયેલી રહેવા માંગુ છું. પરંતુ જો મને મારા દેશની સેવા કરવાની અને નિઃસ્વાર્થ રહેવાની તક આપવામાં આવશે, તો હું ચોક્કસપણે તેને નિભાવીશ.”

મને ખબર નથી કે મારે ફરી શરૂઆતથી નવી કારકિર્દી શરૂ કરવી કે નહીં : અભિનેત્રી

સપ્ટેમ્બર 2023માં અભિનેત્રી કંગના રનૌત અભિનેતા અને દિગ્દર્શક રાઘવ લોરેન્સની સાથે તેની ફિલ્મ ચંદ્રમુખી-2ના પ્રમોશનલ પ્રવાસ પર હતી. ત્યારે કંગનાએ જણાવ્યું હતું કે, “હું સામાન્ય રીતે એક જાગૃત અને જવાબદાર વ્યક્તિ છું. ઘણા લોકો કહે છે કે હું રાજકારણમાં આવવા માટે કામગીરી કરી રહી છું પરંતુ તે સાચું નથી. હું પાક્કી દેશ ભક્ત છું. આનો કોઈ બીજો હેતુ નથી. હું હવે મારા જીવનથી ખુશ છું, અને મેં અહીં પહોંચવા માટે સખત મહેનત કરી છે. મને ખબર નથી કે મારે ફરી શરૂઆતથી નવી કારકિર્દી શરૂ કરવી છે કે નહીં.”

ઓકટોબર-2022માં રાજકારણમાં આવવાની કોઈ યોજના નહીં હોવાનું જણાવ્યું હતું

ઓકટોબર-2022માં કંગના રનૌતે PTI સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, “રાજકારણમાં આવવાની મારી કોઈ યોજના નથી. હું મારી આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છું. મને રાજકારણમાં રસ છે પણ માત્ર એક કલાકાર તરીકે. હું એક સફળ કલાકાર છું કારણ કે મેં મારી કારકિર્દીની શરૂઆત 16 વર્ષની ઉંમરે કરી હતી. હું ઘણા સંઘર્ષ પછી હાલ આ તબક્કે પહોંચી છું. હવે, મારી પાસે નવી કારકિર્દી શરૂ કરવાની ક્ષમતા પણ નથી. હું રાજકારણમાં મારા રસને ધ્યાનમાં રાખીને હંમેશા સારી ફિલ્મો બનાવીશ.”

સપ્ટેમ્બર-23માં અભિનેત્રીએ રાજકારણમાં જોડાવું બહુ વહેલું રહેલું હોવાનું જણાવ્યું હતું

કંગના રનૌતે સપ્ટેમ્બર-2023માં સંસદની નવા ભવનના લોકાર્પણ બાદ યોજાયેલા પ્રથમ સત્રમાં હાજરી આપી હતી, જ્યાં તેણીએ ટાઈમ્સ નેટવર્કના ગ્રુપ એડિટર અને ટીએન નવભારતના એડિટર-ઈન-ચીફ સાથેની વાતચીતમાં તેના રાજકારણમાં જોડાવા અંગે જણાવ્યું હતું કે, “એક કલાકાર તરીકે મને રાજકારણમાં રસ છે. પરંતુ મારા માટે રાજકારણમાં જોડાવું બહુ વહેલું ગણાશે. ભારત દેશ દરેક પસાર થતા દિવસે વધુ સારો થઈ રહ્યો છે.”

આ પણ જુઓ :કંગનાની તેજસ ફિલ્મનું સ્ક્રીનિંગ જોઇ ભાવુક થયા સીએમ યોગી!

Back to top button