વડોદરાઃ એમ.એસ. યુનિવર્સિટી ખાતે આજે સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, હિન્દુ દેવી-દેવતાઓના વિવાદાસ્પદ ચિત્ર બનાવનાર વિદ્યાર્થી કુંદન યાદવને રસ્ટિકેટ કરવામાં આવે છે. તેમજ ફાઇનલ ફેકલ્ટીના ડીનને શો-કોઝ નોટિસ અપાઇ છે.
વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે વિદ્યાર્થીઓનું વાર્ષિક એક્ઝિબિશન યોજાયું હતું. જેની તૈયારીના ભાગરૂપે ફેકલ્ટીના કુંદન યાદવ નામના વિદ્યાર્થીએ અખબારોના સમાચારો માંથી જે સમાચારો દુષ્કર્મને લગતા હતા તેના કટીંગમાંથી હિન્દુ દેવી-દેવતાઓના ચિત્ર તૈયાર કર્યા હતા. આ ચિત્રો એક્ઝિબિશનમાં મુકાય તે પહેલા જ તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા અને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
ત્યારબાદ આ ઘટના અંગે એમ એસ યુનિવર્સિટી દ્વારા સત્યશોધકની રચના કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ આજે સિન્ડિકેટની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે વિવાદિત ચિત્રો બનાવનાર ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થી કુંદન યાદવને યુનિવર્સિટીએ રસ્ટિકેટ કરી નાંખ્યો છે. જ્યારે ફેકલ્ટીના ડીન જયરામ પોન્ડુવાલને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તેમજ આ મામલે તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમનો જવાબ આવી ગયા બાદ આ બાબતે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હિન્દુ દેવી-દેવતાઓના વિવાદાસ્પદ ચિત્રો બનાવવા મામલે વિદ્યાર્થી કુંદન યાદવ સામે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.