ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વેવાઈએ વેવાણને ચૂંટણીમાં હરાવ્યા, એક હારનો બદલો બે વાર લીધો

  • ઈમરતી દેવી અને સુરેશ રાજે 16મા રાઉન્ડ સુધી સમાન રહ્યાં હતાં
  • 17મા રાઉન્ડથી કોંગ્રેસના ઉમેદવાર મજબૂત રહ્યા અને 19મા રાઉન્ડમાં અંતિમ હરીફાઈ જીતી લીધી .

ગ્વાલિયર, 4 ડિસેમ્બર: ગઈકાલે મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી. જેમાં ગ્વાલિયર જિલ્લાની બહુચર્ચિત વિધાનસભા બેઠક ડબરા પરથી વેવાઈએ ફરી એકવાર વેવાણને ચૂંટણીમાં હરાવ્યા છે. ડબરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુરેશ રાજેએ ભાજપના ઉમેદવાર ઈમરતી દેવીને હરાવ્યા છે. સિંધિયાના સમર્થક ભાજપના ઉમેદવાર ઈમરતી દેવીની આ બીજી હાર છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ રાજે આ નજીકની હરીફાઈમાં 2267 મતોથી જીત્યા હતા.

સંબંધમાં બંને વેવાઇ- વેવાણ

મધ્યપ્રદેશના મહિલા નેતા અને ઘણીવાર પોતાના નિવેદનોને કારણે સમાચારોમાં રહેતા ઈમરતી દેવીના ભાઈની પુત્રીએ સુરેશ રાજેના મોટા ભાઈના પુત્ર સાથે લગ્ન કર્યા છે. આ કારણે બંને સંબંધમાં વેવાઈ-વેવાણ છે.

રવિવારે મતગણતરી દરમિયાન ઈમરતી દેવી અને સુરેશ રાજે 16મા રાઉન્ડ સુધી આગળ-પાછળ જતા રહ્યા, પરંતુ પછી 17મા રાઉન્ડથી કોંગ્રેસના ઉમેદવાર સુરેશ રાજે આગળ રહ્યા હતા અને 19મા રાઉન્ડમાં અંતિમ હરીફાઈ જીતી લીધી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના સુરેશ રાજેને 84717 વોટ મળ્યા જ્યારે બીજેપીના ઈમરતી દેવીને 82450 વોટ મળ્યા હતા. એટલે કે કોંગ્રેસે 2267 મતોથી વિધાનસભા બેઠક જીતી લીધી હતી.

ઈમરતી દેવીએ 2013માં સુરેશ રાજેને હરાવ્યા હતા

ઈમરતી દેવીએ પોતાની રાજકીય કારકિર્દી કોંગ્રેસ પાર્ટીથી શરૂ કરી હતી. તેમણે વર્ષ 2008માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રથમ ચૂંટણી જીતી હતી. આ પછી 2013 અને 2018માં પણ મજબૂત જીત હાંસલ કરી હતી. ત્યારબાદ વર્ષ 2020માં મધ્યપ્રદેશની રાજનીતિમાં થયેલા મોટા ઘટનાક્રમ દરમિયાન ઈમરતી દેવી જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. તે જ વર્ષે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે ડબરા બેઠક પરથી જ ઈમરતી દેવીને ટિકિટ આપી હતી, પરંતુ તેમના વેવાઈ સુરેશ રાજેએ કોંગ્રેસમાંથી ટિકિટ લઈ તેમને 7568 મતોથી હરાવ્યા હતા.

આ અગાઉ બંને 2013ની ચૂંટણીમાં પહેલીવાર આમને-સામને આવ્યા હતા, ત્યારે ભાજપમાંથી ચૂંટણી લડનાર સુરેશ રાજેને કોંગ્રેસના ઈમરતી દેવી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 2018ની ચૂંટણીમાં ઇમરતી દેવી સામે ભાજપના કપ્તાન સિંહ સહસ્ત્રી ડબરા બેઠક પરથી હારી ગયા હતા.

મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 166 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 66 બેઠકો પર જ સીમિત રહી હતી. આ સિવાય એક બેઠક ભારત આદિવાસી પાર્ટીને મળી છે.

આ પણ વાંચોપાકિસ્તાનઃ મોહેન્જો-દડોમાં ખોદકામ દરમિયાન મળ્યો 2 હજાર વર્ષ જૂનો ખજાનો

Back to top button