ટ્રેન્ડિંગવર્લ્ડ

ઇઝરાયેલની નિંદા કરતી વખતે સાંસદને આવ્યો હાર્ટ એટેક, ઘટના કેમેરામાં કેદ

અંકારા (તુર્કીયે), 13 ડિસેમ્બર:  ગાઝામાં હમાસના આતંકીઓ વિરુદ્ધ ઇઝરાયેલ દ્વારા થઈ રહેલી કાર્યવાહી બદલ ઇઝરાયેલની નિંદા કરતી વખતે તુર્કીયેના સાંસદ અચાનક જ ઢળી પડ્યા. તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તુર્કીયેના સંસદ સભ્ય હસન બિટમેઝ સાંસદમાં કહી રહ્યા હતા કે ગાઝા પર હુમલો કરવા બદલ ઇઝરાયેલને ‘અલ્લાહના ક્રોધ’નો સામનો કરવો પડશે. આ વાત કર્યાની ગણતરીના સેકન્ડમાં તેમને હાર્ટ એટેક આવ્યો અને પોડિયમ નજીક પડી ગયા. હાલમાં સાંસદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જો કે, સાંસદનો જમીન પર ઢળી પડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

ઇઝરાયેલને શ્રાપ આપતાં પોતે ઢળી પડ્યા

53 વર્ષીય હસન બિટમેઝ ટર્કિશ ઈસ્લામિક ફેલિસિટી પાર્ટીના સાંસદ છે. તેઓ હમાસ પર ઇઝરાયેલના હુમલા અંગે ભાષણ આપી રહ્યા હતા. તેમણે પોતાનું ભાષણ એમ કહીને સમાપ્ત કર્યું કે, અલ્લાહ ઇઝરાયેલ પર કહેર વરસાવશે અને તેનાથી તેઓ નહીં બચી શકે, હું તમને બધાને સલામ કરું છું. આમ કહી તે અચાનક જ પોડિયમ નજીક પડી ગયા. જો કે, અન્ય સાંસદો તેમની મદદે દોડી આવ્યા હતા. સાંસદ ડૉ. તુર્હાન કોમેઝે કહ્યું કે તેમણે હસન બિટમેઝને CPR આપવાનું શરૂ કર્યું. સ્ટ્રેચર પર એસેમ્બલી બિલ્ડિંગની બહાર લઈ જવામાં આવ્યા. તુર્કીયેના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. ફહરેટિન કોકાએ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે સિટી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે.

સાંસદે તુર્કીયેના પ્રમુખની પણ આકરી ટીકા કરી

રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે હસન બિટમેઝ ડાયાબિટીસથી પીડિત છે. હોસ્પિટલમાં તેમની એન્જિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. ભાષણ દરમિયાન તેમણે તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોઆનની પણ ટીકા કરી હતી. તેમનું કહેવું છે કે, એર્દોગન ઇઝરાયેલ અને ગાઝાના મુદ્દે કડક નથી થઈ રહ્યા.

ઉલ્લેખનીય છે કે ઈસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર 7 ઑક્ટોબર 2023ના રોજ હુમલો કર્યો હતો. આ પછી ઇઝરાયેલ ગાઝામાં સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં હજારો નાગરિકો માર્યા ગયા છે. ઇઝરાયેલ હાલમાં ગાઝાના કેટલાક વિસ્તારોમા હુમલો કરી રહ્યું છે. બીજી તરફ, ઘણા મુસ્લિમ દેશ ઇઝરાયેલના આ પગલાંની ટીકા કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઈઝરાયલી સેનાએ હમાસને ખતમ કરવાના લીધી સોગંધ, ગાઝાની સુરંગોમાં દરિયાનું પાણી

Back to top button