વેરાવળના તબીબ આત્મહત્યા પ્રકરણમાં સાંસદ પરીમલ નથવાણીએ ગૃહમંત્રીને તટસ્થ તપાસ કરવા વિનંતી કરી
ગીર સોમનાથ જિલ્લાના જાણીતા તબીબ ડો.અતુલ ચગે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે ત્યારે તેમના આ પગલું ભરવાના કારણ પાછળ રાજકીય ગતિવિધિઓ સામે આવી રહી છે. તબીબે આત્મહત્યા કરતા પહેલા તેમણે એક સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં રાજકીય નેતાઓના નામ લખ્યા હતા. જેના આધારે પરિજનોએ તેમની ધરપકડ કરવાની માંગ કરી છે. દરમિયાન આ પ્રકરણમાં હવે રાજ્યસભાના સાંસદ પરીમલ નથવાણીએ પણ ઝંપલાવ્યું છે. તેમણે આ ઘટનામાં તટસ્થ તપાસની માંગ ગૃહમંત્રી પાસે કરી છે.
શું કહ્યું પરીમલ નથવાણીએ ?
ગીર સોમનાથ વિસ્તારમાં ડો. અતુલ ચગના આપઘાત અંગે પરીમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કરી તેમના પરિવારને શોક સંવેદના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાતજનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો.અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી ગૃહ મંત્રીને આ અંગે વિનંતી પણ કરી છે.
ગીર સોમનાથના વેરાવળમાં જાણીતા તબીબ ડો.અતુલ ચગની આત્મહત્યા
કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર આત્મહત્યા માટે કારણભૂત હોવાની ચર્ચા ,રાજકીય વ્યક્તિઓની ભુમિકા હોવાની પણ શક્યતા#girsomnath #veraval #MONEY #news #NewsUpdate #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/1nQTajhMAU— Hum Dekhenge News (@humdekhengenews) February 12, 2023
શું છે આખી ઘટના ?
મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રવિવારે શહેર અને જિલ્લામાં પ્રખ્યાત એમડી ફિઝિશિયન ડો.અતુલ ચગે પોતાની હોસ્પિટલની ઉપર આવેલી ઓફીસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી તબીબી આલમમાં ચકચાર મચી ગઇ હતી. દરમિયાન તેમના પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેઓ નારણભાઇ અને રાજેશ ચુડાસમાના ત્રાસના કારણે આ પગલું ભરી રહ્યાનો ઉલ્લેખ કરાયો હતો. જેના પગલે હવે આ પ્રકરણમાં મૃતકના પરિજનો દ્વારા રાજકીય આગેવાનોની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.