ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સાંસદ ગેનીબેને ધારાસભ્યપદેથી આપ્યું રાજીનામું, હવે પહોંચશે દિલ્હી

Text To Speech

ગાંધીનગર, 13 જૂનઃ ગેનીબેન ઠાકોરે ધારસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે આજે 13 જૂનને ગુરુવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.

ગેનીબેન તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ઉપર સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહેલાં ગેનીબેને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 30,000 કરતાં વધુ મતથી હરાવ્યાં હતાં. ગુજરાતમાં ભાજપનો 26માંથી 25 બેઠક ઉપર વિજય થયો હતો જ્યારે એકમાત્ર બનાસકાંઠાની બેઠક ઉપર કોંગ્રેસના ગેનીબેન ચૂંટાઈ આવ્યાં હતાં. આ રીતે તેમણે ગુજરાતમાં સતત ત્રીજી વખત તમામ 26 બેઠકો જીતીને રેકોર્ડ બનાવવાની ભાજપની આશા પર પાણી ફેરવ્યું હતું.

ગેનીબેન છેલ્લી બે મુદતથી ઉત્તર ગુજરાતમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યાં હતાં. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે જે શંકરભાઈ ચૌધરીને હરાવ્યા હતા એ જ શંકરભાઈ ચૌધરી હાલ વિધાનસભાના અધ્યક્ષ અને ગેનીબેને શંકરભાઈને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.

2024ની લોકસભા ચૂંટણી માટે બનાસકાંઠા બેઠક માટે ગેનીબેનને કોંગ્રેસ તરફતી ટિકિટ મળી ત્યારે તેઓ આટલા મોટો મતક્ષેત્રમાં પહોંચી શકશે કે કેમ અને કેટલા મત લાવી શકશે તે અંગે આશંકાઓ સેવવામાં આવી રહી હતી. તેનું કારણ એ હતું કે એક તરફ ભાજપની સંગઠન બળ હતું અને છેલ્લી ત્રણ ચૂંટણીથી ગુજરાતમાં ભાજપ હેટ્રિક કરી રહ્યો હતો. તેની સામે કોંગ્રેસમાં અંદરોઅંદર જૂથવાદને કારણે ગેનીબેનને વધારે ટેકો મળે તેમ લાગતું નહોતું. જોકે, મોટેભાગે તેઓ એકલે હાથે સમગ્ર લોકસભા વિસ્તારમાં ફરી વળ્યાં હતાં. પ્રિયંકા વાડરાએ પણ ગેનીબેન માટે ચૂંટણી સભા કરીને તેમના માટે મત માગ્યા હતા.

સાંસદ બનેલા ગેનીબેન હવે દિલ્હી પહોંચશે. લોકસભાનું વિશેષ સત્ર 24 જૂને શરૂ થવાનું છે ત્યારે તેઓ બનાસકાંઠાના પ્રતિનિધિ તરીકે શપથ લેશે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો આદેશ માનવા કોંગ્રેસ સરકારનો ઈનકાર, દિલ્હીને પાણી નહીં આપે

Back to top button