ટોપ ન્યૂઝનેશનલ

કોઈ જીવતું બચ્યું નહી! નર્મદામાં સમાઈ બસ, 13 મુસાફરોના મોત

Text To Speech

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ખલઘાટ ખાતે એક મુસાફરોની બસ પુલની રેલિંગ તોડીને નર્મદા નદીમાં ખાબકી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં તમામ 13 મુસાફરોના મોત થયા છે. જો કે હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સાથે જ દુર્ઘટનાગ્રસ્ત બસને બહાર કાઢવામાં આવી છે.

મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી 

ઈન્દોરના ડિવિઝનલ કમિશનર પવન કુમાર શર્માએ જણાવ્યું હતું કે ઈન્દોરથી મહારાષ્ટ્ર (અમલનેર) જઈ રહેલી પેસેન્જર બસ ખલઘાટમાં નર્મદા પરના પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બસ નદીમાં ખાબકી હતી. આ પુલ ધાર અને ખરગોન જિલ્લાની સરહદ પર નેશનલ હાઈવે-3 (આગ્રા-મુંબઈ રોડ) પર આવેલો છે. કમિશનર શર્માના જણાવ્યા અનુસાર ઈન્દોરના સરવટે બસ સ્ટેન્ડથી નીકળતી વખતે આ બસમાં ડ્રાઈવર સહિત 13 મુસાફરો સવાર હતા. રસ્તામાં એક બે મુસાફર બેઠયા હતા. જે દરમિયાન અચાનક બસ નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા જ રેશ્ક્યું હાથ ધરવામાં આવ્યું છે. જો કે બસમાં કેટલા મુસાફરો સવાર હતા તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે નદીમાં પડતા પહેલા બસ પહેલા પથ્થર પર પડી હતી અને પછી નદીમાં પલટી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પ્રશાસન અને રેસ્ક્યુ ટીમ દ્વારા જે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા તે તમામ બસની અંદર ફસાયેલા હતા. આશંકા છે કે બસમાં સવાર એક-બે લોકો નદીમાં ધોવાઈ ગયા હશે.

ગૃહમંત્રીના નિવેદનોએ મૂંઝવણ ઊભી કરી

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના અકસ્માત પર બે નિવેદનો સામે આવ્યા છે. પહેલા તેણે કહ્યું કે 15 મુસાફરોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. પછી થોડી વાર પછી કહ્યું કે બસમાં ફક્ત 14-15 લોકો હતા અને કોઈને બચાવી શકાયું નથી. હકીકતમાં ઘટનાસ્થળ પર હાજર એક અધિકારીએ રાજધાની ભોપાલમાં હાજર ગૃહમંત્રીને જણાવ્યું હતું કે 14-15 લોકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે,જો કે તમામ મૃત હાલતમાં હતા. જેને લીધે ગેરસમજણ ઉભી થઇ હતી. ગૃહમંત્રીએ કહ્યું કે ખલઘાટ દુર્ઘટનામાં પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળેલી પ્રાથમિક માહિતીના આધારે થોડી મૂંઝવણ ઊભી થઈ હતી, પરંતુ હવે સ્થાનિક સ્તરે અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં બસમાં સવાર 13 લોકોના મોત થયા છે.ઘટનાસ્થળે હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે.

‘લોકોને બચાવી શક્યા નથી’: CM શિવરાજ

સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આજે સવારે મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ નર્મદા નદીના ખલઘાટ પુલ પરથી ખાબકી હતી. અકસ્માતની માહિતી મળતા જ વહીવટીતંત્ર સક્રિય થઈ ગયું હતું. અડધા કલાકમાં કલેક્ટર, એસપી, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી છે, પરંતુ બસમાં સવાર લોકોને બચાવી શકાયા નથી. અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

એમપી સરકાર તરફથી 4-4 લાખ

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે મેં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે વાત કરી છે, જે મૃતદેહો મળી આવ્યા છે તેમને સન્માન સાથે તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવશે. અકસ્માતની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. બસ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મધ્યપ્રદેશ સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની રાહત રકમ આપવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકાર 10-10 લાખ આપશે

બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પણ બસ દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

પીએમ મોદીએ 2-2 આપવાની જાહેરાત કરી હતી

તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને PMNRF તરફથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

Back to top button