ભારતની હારથી પાકિસ્તાનમાં માતમ : હવે પડોશીઓ માટે સેમીફાઈનલમાં પહોંચવું અશક્ય
T20 વર્લ્ડ કપમાં ભારતને પહેલી હાર મળી અને પાકિસ્તાનની છેલ્લી આશા પણ ખતમ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા સામે ભારતની હાર બાદ પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. બીજી તરફ ગ્રુપ-2 માંથી ભારતનું સેમિફાઈનલમાં પહોંચવું નિશ્ચિત છે. ટીમ ઈન્ડિયાને હવે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેનો સામનો કરવાનો છે. આવી સ્થિતિમાં, ભારતની એક જીત તેમને અંતિમ ચારમાં લઈ જશે.
આ પણ વાંચો : ભારતની હાર પાકિસ્તાન બહાર : સાઉથ આફ્રિકાની 5 વિકેટથી જીત
વાસ્તવમાં ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે પાકિસ્તાની ટીમે તેની બાકીની તમામ મેચો જીતવાની સાથે અન્ય ટીમોની જીત અને હાર પર નિર્ભર રહેવું પડ્યું હતું. આવી સ્થિતિમાં સાઉથ આફ્રિકા સામે ભારતની હારથી પાકિસ્તાન હવે સેમીફાઈનલમાં નહીં પહોંચી શકે. પાકિસ્તાન ક્રિકેટ ટીમને ટૂર્નામેન્ટમાં સતત બે હારનો સામનો કરવો પડ્યો હતો, જો કે તેણે નેધરલેન્ડને હરાવીને પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે ભારતની હારથી તે ટૂર્નામેન્ટની બહાર થઈ ગયું છે.
હવે પાકિસ્તાનનું સમીકરણ શું છે?
પાકિસ્તાનની ટીમે નેધરલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. હવે તેને દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશનો સામનો કરવાનો છે, જેઓ મેચ પલટાવવામાં નિષ્ણાત છે. અહીંથી, જો પાકિસ્તાન તેની બાકીની બંને મેચ જીતવામાં સફળ રહે છે, તો પણ તેના 6 પોઈન્ટ હશે, પરંતુ કદાચ તે નેટ રન રેટની લડાઈમાં અન્ય ટીમોથી પાછળ રહી જશે. હાલ આ ટીમ પોઈન્ટ ટેબલમાં તળિયેથી બીજા સ્થાને છે. પાકિસ્તાને આશા રાખવી પડશે કે હવે બાંગ્લાદેશ ભારતને હરાવે અથવા દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડ સામે હારે અથવા વરસાદને કારણે મેચ રદ્દ થાય. જો આ સમીકરણો સાચા પડે તો પણ પાકિસ્તાનનું સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ છે.
બાબર આઝમનું ફોર્મ હજુ પણ ચિંતાનો વિષય
ગઈ મેચમાં બાબર આઝમ 4 રન, ફખર ઝમાને 20 રન અને શાન મસુદે 12 રન બનાવીને આઉટ થયાં હતા. પાકિસ્તાન માટે કેપ્ટન બાબર આઝમનું ફોર્મ હજુ પણ ચિંતાનો વિષય છે. નેધરલેન્ડ સામે તે માત્ર 4 રન બનાવી રનઆઉટ થયો હતો. આખી ટૂર્નામેન્ટની વાત કરીએ તો બાબરના બેટમાંથી માત્ર 8 રન જ આવ્યા છે.