ગાઝામાં પૂર્વ ભારતીય સૈન્ય અધિકારીના મૃત્યુ પર શોક, યુએને ભારતની માંગી માફી
- ઈઝરાયેલ-હમાસ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના ભૂતપૂર્વ અધિકારીના મૃત્યુથી ખળભળાટ
સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કરતા ભારતીય સેનાના એક પૂર્વ અધિકારીનું અવસાન
કર્નલ વૈભવ અનિલ કાલેએ 2022માં ભારતીય સેનામાંથી અકાળ નિવૃત્તિ લીધી હતી
યુનાઈટેડ નેશન્સ,15 મે: ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના ભૂતપૂર્વ અધિકારીના મૃત્યુથી ખળભળાટ મચી ગયો છે. ઈઝરાયેલની સેનાએ ગાઝાના રફાહ શહેરમાં નિયંત્રણ મેળવ્યા બાદ હુમલા તેજ કર્યા છે. જેના કારણે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કરતા ભારતીય સેનાના એક પૂર્વ અધિકારીનું અવસાન થયું હતું. સંયુક્ત રાષ્ટ્રએ આ અંગે સંવેદના વ્યક્ત કરી છે અને ભારતની માફી માંગી છે.
ઉલ્લેખનીય છે કે કર્નલ વૈભવ અનિલ કાલે (46)એ 2022માં ભારતીય સેનામાંથી અકાળ નિવૃત્તિ લીધી હતી અને બે મહિના પહેલા સંયુક્ત રાષ્ટ્રના સુરક્ષા વિભાગ (UNDSS)માં સુરક્ષા સંકલન અધિકારી તરીકે નિયુક્ત થયા હતા. સોમવારે સવારે, તે અન્ય UNDSS સ્ટાફ સાથે યુએન વાહનમાં રફાહમાં ‘યુરોપિયન હોસ્પિટલ’માં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે થયેલા હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું અને અન્ય જોર્ડનિયન DSS સ્ટાફ ઘાયલ થયો હતો.
કર્નલ વૈભવ ઈઝરાયેલના હુમલાનો ભોગ બન્યા હતા
એવું માનવામાં આવે છે કે તેમના વાહન પર ઇઝરાયેલની ટેન્ક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકે પીટીઆઈના એક પ્રશ્નના જવાબમાં મંગળવારે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમે ભારતની સરકાર અને લોકો પ્રત્યે ખેદ અને સંવેદના વ્યક્ત કરીએ છીએ.” “અમે ભારતે આપેલા યોગદાનની પ્રશંસા કરીએ છીએ,” તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રે ઘાતક હુમલાની તપાસ માટે એક ટીમ બનાવી છે.
આ પણ વાંચો: ભારતીય વાયુસેનાએ પોર્ટેબલ હોસ્પિટલનું સફળ પરીક્ષણ કર્યું, જાણો શું થશે ફાયદો!