GIFT CITYમાં AI સેન્ટર ઓફ એક્સેલેન્સની સ્થાપના માટે માઈક્રોસોફ્ટ સાથે MoU
ગાંધીનગર, 29 જૂન 2024, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સાયન્સ ટેક્નોલોજી વિભાગ દ્વારા ડીપ ટેક્નોલોજી રૂપે ત્રણ મહત્વપૂર્ણ MoU સંપન્ન થયા છે તે અંતર્ગત માઇક્રોસોફ્ટ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ ગિફ્ટસિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર ઑફ એક્સલન્સની સ્થાપના કરાશે. આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર નાગરિકોને અસરકારક, સમયબદ્ધ સેવા પહોંચાડવા, મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને અને ઉત્પાદન, હેલ્થકેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજીકલ પ્રગતિને વેગ આપી સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પ્રદાન કરશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન્દ્રને તરત જ શરૂ કરવામાં આવશે
નાસ્કોમ સાથે થયેલા MoU અન્વયે રાજ્યની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ક્ષમતાઓને વધારે મજબૂત કરાશે. નાસ્કોમ વિવિધ ક્ષેત્રોના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોલ્યુશન્સ વિકસાવવા, પાયલોટ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ્સને અપનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નાસ્કોમ આ કેન્દ્રનું સંચાલન કરશે તેમજ ગુજરાત ઇન્ફ્રોમેટિક્સ લિમિટેડ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર માટે જરૂરી ઓપરેટિંગ સિસ્ટમ અને બાકીનું નાણાંકીય ભંડોળ પૂરું પાડવામાં આવશે. માઈક્રોસોફ્ટ અને નાસ્કોમ સાથે આ કરાર પાંચ વર્ષ માટે કરવામાં આવ્યા છે. જેથી કરાર બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન્દ્રને તરત જ શરૂ કરવામાં આવશે.
કંપનીઓ ઇનોવેટીવ અને વધુ અસરકારક સેવાઓ વિકસાવી શકાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ MoU ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ આગવું સ્થાન આપવાની દિશામાં નોંધપાત્ર પગલું ગણાવ્યું હતું. ડિજિટલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપીને, નવીનતાને આગળ વધારવા સાથે ડિજીટલ ક્ષેત્રમાં યુવાનો માટે વધુ રોજગારીનું સર્જન પણ કરશે. રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેક્નોલોજી, દ્વારા IBM સાથે થયેલા MoU સંદર્ભે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ બૅન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્ર માટે AI ક્લસ્ટર સ્થાપવામાં આવશે. IBM દ્વારા ગિફ્ટસિટીમાં તેના વોટસન-એક્સ નામના પ્લૅટફોર્મના માધ્યમથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગથી ગિફ્ટ સિટીમાં કાર્યરત રહેલી બૅન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સને લગતી કંપનીઓ ઇનોવેટીવ અને વધુ અસરકારક સેવાઓ વિકસાવી શકાશે.
ડીપ ટેક્નોલોજીમાં યુવાનોને તાલીમ પૂરી પાડવાનો હેતુ
આ હેતુસર અપ સ્કીલિંગ ઇન્ડસ્ટ્રી રેડી ટેલેન્ટ પ્રોગ્રામ હેઠળ રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીઓ અને કોર્સ પ્રોવાઇડર્સ પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે અને ડીપ ટેક્નોલોજીમાં યુવાનોને તાલીમ પૂરી પાડવાનો હેતુ છે. આ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ હેઠળ પાંચ કંપનીઓ કોર્સ પ્રોવાઇડર્સ તરીકે તથા ચાર યુનિવર્સિટીઓ એગ્રીગેટર્સ તરીકે આગળ આવી છે. પાંચ કોર્સ પ્રોવાઇડર તરીકે IBM, NVidia, AWS, TCS અને L&T Edutech નો સમાવેશ થાય છે. રાજ્યની ચાર યુનિવર્સિટીઓ GTU, IITRAM, P.D.E.U અને ગણપત યુનિવર્સિટી એગ્રિગેટર્સ તરીકે જોડાઇ છે. રાજ્ય સરકારના આ પ્રયાસની ફલશ્રુતી રૂપે આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં કુલ અંદાજે ૨૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને ડીપ ટેક્નોલોજી આધારિત કોર્સિસમાં તાલીમ મેળવવાનો લાભ મળતો થશે.
આ પણ વાંચોઃગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હારિત શુક્લાની નિમણૂક