માએ દીકરીઓને ખાવામાં ઝેર આપ્યું, સારવાર દરમિયાન અવસાન થયું

મહારાષ્ટ્ર, 27 જુલાઈ 2025: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 27 વર્ષીય એક મહિલા પર તેની ત્રણ સગીર દીકરીઓને ઝેર આપીને મારી નાખવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ મહિલાએ ઘરેલુ સમસ્યાઓના કારણે આ પગલું ભર્યું હતું. આ મહિલાની શનિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઝેરી ખોરાક ખાધા પછી, છોકરીઓને ઉલટી થવા લાગી. આ પછી, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.
ખાવામાં ઝેર ભેળવી દીધું
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના 20 જુલાઈના રોજ બની હતી. શાહપુર વિસ્તાર હેઠળના અસનોલી ગામના તાલેપાડામાં રહેતી ગૃહિણી સંધ્યા સંદીપ બેરેએ ‘વરણ ભાત’ (ભાત અને દાળની પરંપરાગત વાનગી) માં જંતુનાશક ભેળવી દીધું. આ પછી, તેણે તે તેની પાંચ, આઠ અને 10 વર્ષની દીકરીઓને ખવડાવ્યું. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં છોકરીઓને તબિયત ખરાબ થવા લાગી અને તેમને ઉલટી થવા લાગી અને ચક્કર આવવા લાગ્યા, ત્યારબાદ તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
પોસ્ટમોર્ટમમાં રહસ્ય ખુલ્યું
અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે તેમની તબિયત બગડી, ત્યારે તેમાંથી બેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી એકનું 24 જુલાઈના રોજ અને બીજીનું 25 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું, જ્યારે ત્રીજી છોકરીને નાસિકની એક હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં તેનું પણ 24 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું. ખિનાવલી પોલીસે શરૂઆતમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો. જોકે, શનિવારે રાત્રે છોકરીઓનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું કે તેમના શરીરમાં ઝેર હતું.
મહિલાએ આ કારણ આપ્યું
અધિકારીએ કહ્યું કે મહત્ત્વપૂર્ણ પુરાવાના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને, પોલીસે બાળકોની માતા સામે હત્યાનો કેસ નોંધ્યો છે. શનિવારે રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મહિલાને તેના પતિની દારૂ પીવાની ટેવ સહિત ઘરેલુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મહિલા તેના પતિથી અલગ રહેતી હતી અને તેની ત્રણ પુત્રીઓની સંભાળ રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી, જેના કારણે મહિલાએ આ ગુનો કર્યો હતો.
આ પણ વાંચો : ચોથી ટેસ્ટઃ ભારતને હારથી બચાવવા પંત અંતિમ દિવસે બેટિંગ કરશે કે નહીં? કોચે આપ્યું મોટું અપડેટ












