‘બ્લડ મની’ કરાર હેઠળ દીકરીને બચાવવા માતા જીવના જોખમે યુદ્ધગ્રસ્ત યમન જશે
નવી દિલ્હી, 13 ડિસેમ્બર: મૃત્યુદંડની સજા ભોગવી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાની માતા દીકરીનો જીવ બચાવવા યુદ્ધગ્રસ્ત યમન જશે. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે નિમિષાની માતાને પોતાના જોખમે યમન જવાની મંજૂરી આપી હતી. કોર્ટે દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો તેમને યમનમાં કંઈપણ થશે તેના માટે ભારત સરકાર જવાબદાર રહેશે નહીં. મહત્ત્વનું છે કે, નિમિષાની માતાને પુત્રી નિમિષા બચાવવા માટે ‘બ્લડ મની’ સોદાની વાટાઘાટો કરવાની મંજૂરી અપાઈ છે. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્ર સરકારને તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં થોડી રાહત આપવા જણાવ્યું હતું, જેથી આ માતા યમન જઈ શકે. કારણ કે હાલમાં ભારત યમન માટે વિઝા આપતું નથી.
‘બ્લડ મની‘ એ પીડિતના પરિવાર દ્વારા આરોપીની મુક્તિને સુરક્ષિત કરવા માટે ચૂકવવામાં આવતું વળતર છે, જે યમનમાં પ્રચલિત શરિયા કાયદા અનુસાર સીધી વાટાઘાટ છે. પરંતુ આ વાતચીત માટે તેની માતાનું યમન જવું જરૂરી છે. થોડા દિવસો પહેલા વકીલે કહ્યું હતું કે નર્સને મૃત્યુદંડથી બચાવવાનો એકમાત્ર રસ્તો પીડિત પરિવાર સાથે બ્લડ મની કરાર હેઠળ વાતચીત કરવાનો છે. નર્સની માતાએ દિલ્હી કોર્ટમાં યમન જવાની પરવાનગી માંગી હતી. નર્સ નિમિષા પ્રિયાને યમનના એક નાગરિકની હત્યાના આરોપમાં દોષી ઠેરવ્યા બાદ મોતની સજા ફટકારવામાં આવી છે.
ભારતીય સેમ્યુઅલ જેરોમ જે યમનની રાજધાની સનામાં એરલાઇનના સીઇઓ તરીકે કામ કરે છે તેમને નર્સ પ્રિયાની માતા પ્રેમા કુમારી સાથે મુસાફરી કરે તેવી શક્યતા છે. સેમ્યુઅલ તેને ભારત સરકારની કોઈપણ જવાબદારી વિના સંબંધિત અધિકારીઓ સાથે વાટાઘાટો કરવામાં મદદ કરશે.
શું છે સમગ્ર મામલો?
આઠ વર્ષના બાળકની માતા પ્રિયા નિમિષા 2011થી યમનના સનામાં કામ કરતી હતી. પ્રિયા વર્ષ 2017માં યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા માટે દોષી છે. મહદીના કબજામાંથી તેનો પાસપોર્ટ છોડાવવા માટે પ્રિયાએ તેને ડ્રગ્સનું ઇન્જેક્શન આપ્યું હતું. જો કે, ઓવરડોઝના કારણે મહદીનું મૃત્યુ થયું હતું. આ કેસમાં પ્રિયા અને અન્ય એક વ્યક્તિને સજા-એ-મોતની ફરમાવવામાં આવી હતી. માતાએ હાઈકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેની પુત્રીનો જીવ બચાવવા તે યમનમાં મૃતકના પરિવાર સાથે ‘બ્લડ મની’ આપવા અંગે વાત કરવા માંગે છે.
આ પણ વાંચો: નિમિષા પ્રિયાને યમનમાં મૃત્યુદંડ, જાણો ભારતીય નર્સ પર શું છે આરોપ