ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકામાં AI રિસર્ચર સુચિર બાલાજીના મૃત્યુ મામલે માતાએ FBI તપાસની કરી માંગ

  • બાથરૂમમાં લોહીના ડાઘ, એપાર્ટમેન્ટમાં તોડફોડ… હત્યા કે આત્મહત્યા? પ્રશ્ન ઉઠ્યો

નવી દિલ્હી, 31 ડિસેમ્બર: ભારતીય મૂળના અમેરિકન AI રિસર્ચર સુચિર બાલાજીના મૃત્યુનો મામલો હાલ ચર્ચામાં છે. બાલાજીનું નિધન 26 નવેમ્બરે સાન ફ્રાન્સિસ્કોમાં થયું હતું. પોલીસે તેને આત્મહત્યાનો મામલો ગણાવ્યો છે પરંતુ પરિવારજનો મૃત્યુને શંકાસ્પદ માને છે અને FBI તપાસની માંગ કરી છે. અબજોપતિ બિઝનેસમેન એલોન મસ્કે પણ આ મામલે શંકા વ્યક્ત કરી છે.

પુત્રની હત્યાને આત્મહત્યા જાહેર કરવામાં આવી: માતા

સુચિરના માતા પૂર્ણિમા રામારાવે તેમના પુત્રના એપાર્ટમેન્ટમાં તોડફોડ કરવામાં આવી હોવાનો દાવો કરીને આ સમગ્ર મામલે FBI તપાસની માંગ કરી છે. બાથરૂમમાંથી લોહીના ડાઘા મળી આવ્યા હતા, જે હત્યાનો સંકેત આપે છે.

સુચિર બાલાજીના માતાનું કહેવું છે કે, તેમના પુત્રની હત્યાને આત્મહત્યા જાહેર કરવામાં આવી છે. તપાસ અધિકારીઓએ કેસની યોગ્ય તપાસ કરી નથી. આ સમગ્ર મામલે અબજોપતિ બિઝનેસમેન ઈલોન મસ્કએ પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, આ આત્મહત્યાનો મામલો હોય તેવું લાગતું નથી. આ દરમિયાન સુચિરના માતાએ મસ્કને આ મામલે મદદ માટે વિનંતી કરી છે.

સુચિર બાલાજીએ OpenAI પર આક્ષેપો કર્યા હતા

સુચિરે OpenAI પર કોપીરાઈટ ઉલ્લંઘન અને બિઝનેસ મોડલને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે ઈન્ટરનેટ ઈકોસિસ્ટમ પર કંપનીની નકારાત્મક અસર વિશે વાત કરી હતી. તેમણે લોકોને OpenAI છોડવાની સલાહ આપી હતી.

ChatGPTની શરૂઆતથી જ OpenAI આવા આરોપોનો સામનો કરી રહી છે. કંપનીએ આ AI મોડલને વર્ષ 2022માં લોન્ચ કર્યું હતું. જે બાદ કંપની વિરુદ્ધ કોપીરાઈટને લઈને ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કંપનીએ તેના AIને તાલીમ આપવા માટે અન્યની કોપીરાઈટ કરેલી સામગ્રીનો ઉપયોગ કર્યો છે.

કોણ હતા સુચિર બાલાજી?

સુચિર બાલાજી અમેરિકાની બર્કલે યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક હતા. તેમણે OpenAI અને સ્કેલ એઆઈમાં કામ કર્યું છે. તેઓએ 2022માં GPT-4 પ્રોજેક્ટના ડેટા સંગ્રહ દરમિયાન કોપીરાઈટ ઉલ્લંઘન શોધી કાઢ્યું હતું. આવી સ્થિતિમાં, OpenAI જેવી AI સંસ્થા પરના આરોપ અને સુચિરના મૃત્યુએ AI રિસર્ચ અને એથિક્સ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

બાલાજી OpenAIમાં રિસર્ચર તરીકે કામ કરતા હતા. તેમણે આ વર્ષની શરૂઆતમાં કંપની છોડી દીધી હતી. કંપની છોડ્યા પછી, તેમણે ChatGPT નિર્માતા પર કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ મૂક્યો.

આ પણ જૂઓ: સ્કોટલેન્ડમાં ભારતીય વિદ્યાર્થીનીની હત્યા કે અકસ્માત? નદીમાંથી મળ્યો મૃતદેહ; 6 ડિસેમ્બરથી ગુમ

Back to top button