ફૂટપાથ પર પડેલા વાયરમાંથી વીજકરંટ લાગતા માતા-પુત્રીએ ગુમાવ્યો જીવ
બેંગલુરુઃ એક દુ:ખદ ઘટનામાં માતા-પુત્રીનું વીજકરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. આ ઘટના રવિવારે સવારે બેંગલુરુના કડુગોડીમાં બની હતી. માતા સૌંદર્યા (23) અને 9 મહિનાની પુત્રીએ જીવ ગુમાવ્યો છે. ફૂટપાથ પર પડેલા ઈલેક્ટ્રિક વાયર પર પગ મૂકતાં સૌંદર્યાને વીજ કરંટ લાગ્યો, જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જેને લઈ કાડુગોડી પોલીસ સ્ટેશનમાં બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો છે.
સૌંદર્યા અને તેનો પતિ ગોપાલન કોલોનીમાં રહેતા હતા. તે દિવાળી માટે ચેન્નઈ ગયા હતા અને આજે બેંગલુરુ પાછા ફર્યા હતા. આ દરમિયાન પુત્રીને ખોળામાં લઈને જતી વખતે અંધારામાં સૌંદર્યા ઈલેક્ટ્રિક વાયર સાથે અડી ગઈ હતી. સંતોષે તેની પત્ની અને પુત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બચાવી શક્યો નહીં. બચાવ દરમિયાન ઇલેક્ટ્રિક શોકને કારણે સંતોષનો હાથ દાઝ્યો હતો. સંતોષ ઘાયલ થતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અધિકારીઓ સામે બેદરકારીનો કેસ નોંધાયો
આ ઘટના અંગે માહિતી મળતાં જ કડુગોડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ મોકલાયા હતા. બેંગલુરુ ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની (BESSCOM)ના અધિકારીઓ સામે બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો છે. સહાયક ઇજનેર ચેતન, જુનિયર એન્જિનિયર રાજન્ના અને સ્ટેશન ઓપરેટર મંજુનાથની પૂછપરછ કરવામાં આવી રહી છે. કડુગોડી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 304A (બેદરકારીથી મૃત્યુનું કારણ ) હેઠળ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: તેલંગાણામાં નડ્ડાના CM KCR પર આકરા પ્રહારો : 30 ટકા કમિશન સરકારની વિદાય નિશ્ચિત