કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં બે સંતાનોને મોતને ઘાટ ઉતારી માતાએ પણ આપઘાત કર્યો, પતિ ત્રાસ આપતો હોવાનો આરોપ

  • ગોંડલ રોડ ઉપર આવેલા આંબેડકનગરનો બનાવ
  • મરતા પહેલા મનીષા પરમારે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વીડિયો
  • પહેલા પોતાના બે સંતાન પુત્રી ઇશિતા (ઉ.6 મહિના) અને પુત્ર ભાર્ગવ (ઉ.વ.3) કરી હતી હત્યા

રાજકોટના ગોંડલ રોડ ઉપર પતિના ત્રાસ અને કલેશથી કંટાળી જઇ એક પરિણીતાએ છ મહિનાની દિકરી અને ત્રણ વર્ષના દિકરાને ગળાટૂંપો દઇ કે બીજી કોઇ રીતે પતાવી દઇ બાદમાં પોતે ગળાફાંસો ખાઇ મોત મેળવી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું અને તેના પાછળ પતિ જવાબદાર હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પોલીસે બે ગુનાઓ દાખલ કર્યા

મળતી માહિતી મુજબ, ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૫માં રહેતી મનિષાબેન સાગર પરમાર (ઉ.વ.26)એ રાતે પોતાની દિકરી ઇશિતા (ઉ.6 મહિના) તથા દિકરો ભાર્ગવ (ઉ.વ.3)ની હત્‍યા કરી પોતે આ બંનેને મારી નાંખ્‍યા છે અને પોતે પણ આપઘાત કરી રહી છે, આ માટે પતિનો ત્રાસ જવાબદાર છે તેવો એક વિડીયો બનાવી ફેસબૂક પર અપલોડ કર્યા બાદ આપઘાત કરી લેતાં પડોશીઓ, સ્‍વજનોએ વિડીયો નિહાળી તપાસ કરતાં મા-દિકરો-દિકરીના મૃતદેહ જોવા મળતાં કલ્‍પાંત સર્જાયો હતો. પતિના અન્‍ય છોકરી સાથેના લફરા અને ત્રાસને કારણે મનિષાબેન આ પગલુ ભરવા મજબૂર થયાની વિગતો ખુલી હતી. આ ઘટનામાં માલવીયાનગર પોલીસે બે ગુના નોંધ્‍યા છે. જેમાં એક બનાવમાં માસુમ દિકરા-દિકરીની હત્‍યા કરી આત્‍મહત્‍યા કરી લેનારી જનેતા સામે હત્‍યાનો ગુનો દાખલ કરાયો છે, તો બીજી તરફ આ પરિણીતાને દુઃખ-ત્રાસ આપી આવુ હીચકારૂ પગલું ભરવા એટલે કે સંતાનોની હત્‍યા કરી આપઘાત કરી લેવા મજબૂર કરનારા પતિ સામે પણ ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે.

મૃતક મહિલાના ભાઈએ નોંધાવી હત્યાની ફરિયાદ

માલવીયાનગર પોલીસે આ બનાવમાં સંતાનોની હત્‍યા કરી આપઘાત કરી લેનારી મનિષાબેન સાગર પરમાર વિરૂધ્‍ધ તેણીના ભાઇ ગિરીશભાઇ પરષોત્તમભાઇ સોમેૈયા (ઉ.વ.30-રહે. કણકોટના પાટીયે ગુ.હા. બોર્ડ ક્‍વાર્ટર)ની ફરિયાદ પરથી આઇપીસી 302 મુજબ ગુનો નોંધ્‍યો છે. ગિરીશભાઇએ જણાવ્‍યું છે કે મનિષાબેનને લગ્ન જીવન દરમિયાન બે સંતાનની પ્રાપ્‍તિ થઇ હતી. જેમાં દિકરો ભાર્ગવ (ઉ.વ.3) હતો અને દિકરી ઇશિતા (ઉ.6 મહિના)ની હતી. રાતે પોણા બે વાગ્‍યે હું મારા ઘરે હતો ત્‍યારે જંગલેશ્વરમાં રહેતાં મારા ફઇના દિકરા અશોકભાઇ સિંધવે મને ફોન કરી પુછયું હતું કે તમે અત્‍યારે ક્‍યાં છો? અથી મેં હું ઘરે છું શું કામ છે? તેમ પુછતાં તેણે તાત્‍કાલીક મનિષાબેનના ઘરે આવવાનું કહ્યું હતું અને તેણીએ દિકરા-દિકરી સાથે ગળાફાંસો ખાઇ લીધો છે તેમ કહેતાં હું તુરત મારા બનેવી વિપુલભાઇ, મોટા બાપુના દિકરા વિજયભાઇ, મહેશભાઇ, કાકાના દિકરા દિનેશભાઇ સહિતને લઇને મનિષાબેનના ઘરે પહોંચ્‍યો હતો. ત્‍યાં જઇને જોતાં પોલીસની ગાડી અને પોલીસ સ્‍ટાફને જોયો હતો તેમજ માણસો ભેગા થયેલા જોયા હતાં. મારા ફઇના દિકરા અશોકભાઇ પણ હાજર હોઇ તેને શું બન્‍યું? તેમ પુછતાં તેણે કહેલું કે મેં તને એક વિડીયો મોકલ્‍યો છે એ જોઇ લે. જેથી મેં વિડીયો જોતાં તે મારી બહેન મનિષાબેને બનાવ્‍યો હોઇ તેમાં તેણીએ ‘હું મરી જાવ છું અને મારા મોત માટે જવાબદાર મારા પતિ સાગર પરમાર તથા સાઇબાબા ચોક સરકારી હોસ્‍પિટલ ઉપર રહે છે તે જવાબદાર છે, તેમજ હું મારા બંને છોકરાને મારી નાખુ છું, મારા બંને છોકરાને મારી નાંખ્‍યા છે’ તેવું તે બોલતી હતી. આ વિડીયો મેં વ્‍હોટ્‍સએપમાં જોયો હતો.

 

બંને ભાણેજોના મૃતદેહ સેટી ઉપર પડેલા હતા

ત્‍યારબાદ ઘરમાં જઇ જોતાં રસોડા પછીના રૂમમાં લાકડાની સેટી ઉપર મારા ભાણેજ ભાર્ગવ (ઉ.વ.3) અને ઇશિતા (ઉ.6 માસ)ની લાશ જોવા મળી હતી. મારી બહેનને પણ આપઘાત કરી લીધાનું જણાયું હતું. ગિરીશભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે મારી બહેને તેના પતિ સાગર પરમારના ત્રાસને કારણે પોતાના બંને સંતાનને મારી નાંખી આત્‍મહત્‍યા કરી લીધી હોઇ તેની સામે ગુનો દાખલ કરાવવા પોલીસે કાર્યવાહી કરી હતી. પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ મોહનભાઇ મહેશ્વરી, શૈલેષભાઇ ખીહડીયા અને દિપકભાઇએ ગુનો નોંધ્‍યો હતો તેમજ મનિષાબેનના પતિ સાગરને સકંજામાં લીધો હતો.

મહિલાના પતિ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ

બીજી બાજુ પોલીસે આ બનાવમાં મનિષાબેનને મરવા અને સંતાનોને મારવા માટે મજબૂર કરનારા તેણીના પતિ સાગર ગોવિંદભાઇ પરમાર વિરૂધ્‍ધ અલગથી ગુનો નોંધ્‍યો છે. આ ફરિયાદ પણ તેણીના ભાઇ ગિરીશભાઇ સોમૈયાએ નોંધાવી છે. ગિરીશભાઇએ જણાવ્‍યું હતું કે મારી બહેન મનિષાબેનને લગ્ન બાદ પોતાના સાસરે હતી. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી મને તેમજ મારા મમ્‍મી મંજુલાબેનને તે વાત કરતી હતી કે મારો પતિ સાગર મને નાની નાની વાતમાં માર મારે છે, કોઇને કોઇ વાતમાં મારી સાથે ઝઘડા કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારે છે. પરંતુ અમે તેને દરેક વખતે સમજાવતાં હતાં અને પતિ-પત્‍નિ વચ્‍ચે નાના મોટા ઝઘડા થતાં હોય તેમ કહી સમજાવી પરત સાસરે મોકલતાં હતાં. એ પછી મારી બહેને દિકરી ઇશિતાને જન્‍મ આપ્‍યો પછી તેના પતિ સાગર પરમારનો ત્રાસ ખુબ વધી ગયો હતો. તે અમને કાયમ કહેતી હતી કે પતિ સાગર તેને ત્રાસ આપે છે. પણ અમે તેને સમજાવ્‍યે રાખતાં હતાં.

પોલીસે પતિને લીધો સકંજામાં

છેલ્લે ગયા અઠવાડીયે પણ મારી બહેને અમારી ઘરે આવી વાત કરી હતી કે સાગર મને અસહ્ય શારીરિક માનસિક ત્રાસ આપે છે અને હવે મારાથી સહન થતું નથી, હું કદાચ મરી જઇશ પછી તેને શાંતિ થશે. આવી વાત અમને મનિષાબેને કરી હતી. પરંતુ અમે તેની વાત બહુ ધ્‍યાને લીધી નહોતી. તેને સમજાવી હતી કે-તારે બે નાના બાળકો છે, તેની સામે જો. આજે નહિ તો કાલે બધુ બરાબર થઇ જશે. તેમ કહી તેણીને પાછી સાસરે મોકલી દીધી હતી. એ પછી ગુરૂવારની રાતે મારી બહેને તેના પતિ સાગર પરમારના ત્રાસને કારણે પોતાના બંને બાળકોને કોઇપણ રીતે મારી નાંખી બાદમાં પોતે પંખામાં ચુંદડી વડે ફાંસો ખાઇ મરી ગઇ હતી. તેમ વધુમાં ગિરીશભાઇ સોમૈયાએ જણાવતાં પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીએ અલગથી ગુનો નોંધી આખા પરિવારનો માળો પીંખી નાખવામાં જવાબદાર એવા પતિ સાગર પરમારને સકંજામાં લઇ લીધો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ સાગરને અન્‍ય છોકરી સાથે લફરૂ હોઇ તેના કારણે પણ તે હેરાન કરતો હતો.

Back to top button