ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે સૌથી અગત્યના સમાચાર


ગાંધીનગર, 31 જાન્યુઆરી, 2025: ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા બિઝનેસમેન માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે.
રાજ્ય સરકાર અંતર્ગત ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટીએ એક અખબારી યાદી જારી કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (GujRERA) સાથે જેમના પ્રોજેક્ટ્સ નોંધાયેલા છે તેવા તમામ પ્રમોટર્સને જણાવવામાં આવે છે કે, તમામ રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સ માટે RERA એક્ટ હેઠળ ફોર્મ-5 (વાર્ષિક ઑડિટ રિપોર્ટ) ભરવું ફરજિયાત છે.
આ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રોજેક્ટ્સ માટે ફોર્મ-5 ભરવામાં કસૂર કરનારા પ્રમોટર્સને માત્ર એક વખત વધારાની તક મળી રહે તે હેતુથી ખાસ કિસ્સામાં, ગુજરેરા દ્વારા આવા પ્રમોટર્સને તમામ બાકી રહેલા ફોર્મ-5, આગામી 31મી માર્ચ, 2025 સુધીમાં ઓર્ડર નંબર-102થી નિયત થયેલી જોગવાઈ મુજબ વન ટાઈમ સેટલમેન્ટ સ્કિમ (VCS-25) હેઠળ અપલોડ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે.
ઑથોરિટીની યાદી જણાવે છે કે, ઉપરોક્ત જોગવાઈઓ તથા સમયમર્યાદાનું પાલન નહીં કરે તેવા પ્રમોટર્સ RERA એક્ટ હેઠળ બનાવેલા નિયમો અને વિનિયમો અનુસાર કાયદાકીય/દંડકીય કાર્યવાહીને પાત્ર રહેશે. આવી કાર્યવાહીના ભાગરૂપે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા RERA બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવી શકે છે. આથી ભારે દંડાત્મક કાર્યવાહીથી બચવા માટે ઉક્ત સમયમર્યાદા તથા કાયદાકીય જોગવાઈઓનું ફરજિયાત પાલન કરવા ગુજરેરા દ્વારા તમામ પ્રમોટર્સને જણાવવામાં આવે છે.
યાદીમાં ઉમેરવામાં આવ્યું છે કે, ગુજરેરા ઑથોરિટીનો ઓર્ડર નંબર-102 ગુજરેરાની વેબસાઈટ ઉપર પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ દેશનો કુલ આરોગ્ય ખર્ચ 29.0 ટકાથી વધીને 48.0 ટકા થયો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD