મોસ્કોએ દક્ષિણ રશિયા તરફ જઈ રહેલી મિસાઈલોને તોડી પાડી
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 9 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન મિસાઈલ હુમલાને લઈને રશિયન સંરક્ષણ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેની સેનાએ યુક્રેનની સરહદે દક્ષિણ રશિયાના વિસ્તારમાં અમેરિકી નિર્મિત ચાર એન્ટિ-રેડિયેશન મિસાઇલોને તોડી પાડી છે. નવ મહિના પહેલા યુદ્ધ શરૂ કર્યા પછી મોસ્કો દ્વારા કરવામાં આવેલા આવા પ્રથમ દાવાઓમાંનો આ એક છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેન્કોવે કહ્યું કે બેલગોરોડના એરસ્પેસમાં ચાર અમેરિકન એન્ટી રડાર ‘હાર્મ’ મિસાઇલોને તોડી પાડવામાં આવી છે. યુએસ એરફોર્સ અનુસાર, હાઇ-સ્પીડ એર-ટુ-સર્ફેસ એન્ટિ-રેડિયેશન મિસાઇલ રડારથી સજ્જ એર ડિફેન્સ સિસ્ટમને શોધવા અને તેનો નાશ કરવા માટે બનાવવામાં આવી છે.
બેલ્ગોરોડ ક્ષેત્રમાં ગોળીબાર
બેલ્ગોરોડના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોવે જણાવ્યું કે બેલગોરોડ ક્ષેત્રમાં રવિવારે (18 ડિસેમ્બર) ગોળીબાર થયો હતો. રહેણાંક અને ઔદ્યોગિક ઇમારતો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 10 લોકો ઘાયલ થયા હતા. આ ફાયરિંગમાં એક પોલ્ટ્રી પ્લાન્ટને નુકસાન પહોંચ્યું છે અને અનેક રહેણાંક મકાનોની બારીઓ અને કારોને નુકસાન થયું છે. લોકોએ જણાવ્યું કે અહીં જોરદાર વિસ્ફોટો સંભળાયા.
કિવ પર રશિયન ડ્રોન હુમલો
આ સિવાય, રશિયાએ કામિકાઝે ડ્રોન વડે કિવ અને તેની આસપાસના મુખ્ય ઉર્જા માળખા પર હુમલો કર્યો. આ હુમલો ત્યારે થયો જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2019 પછી પ્રથમ વખત બેલારુસની મુલાકાતે ગયા. એવું માનવામાં આવે છે કે આ પછી યુદ્ધ ફરી એકવાર ખતરનાક વળાંક લઈ શકે છે.