- દેશમાં 1.20 લાખથી વધુ સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબોરેટરી માટે મંજૂરી અપાઈ હતી
- ગુજરાત કરતાં પાડોશી રાજ્યોમાં સરકારી સ્કૂલો વધારે સારી
- દિલ્હીમાં તમામ શાળાઓમાં ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ છે
ડિજિટલ યુગ વચ્ચે ગુજરાતમાં બે હજારથી વધુ સરકારી સ્કૂલોમાં ઈન્ટરનેટની સવલત નથી, કેન્દ્ર સરકારના વર્ષ 2021-22ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સરકારી શાળાઓની સંખ્યા 34,699 બતાવાઈ છે, જે પૈકી 32,681 શાળાઓમાં ઈન્ટરનેટની સવલત ઉપલબ્ધ છે, આમ કુલ 2,018 સરકારી શાળામાં ઈન્ટરનેટની સુવિધા નથી. જે શાળાઓમાં ઈન્ટરનેટની સવલત ઊભી કરાઈ છે તે પૈકી કેટલી શાળાઓમાં અત્યારે ઈન્ટરનેટની સવલત ઠપ્પ છે તે વિશે રિપોર્ટમાં માહિતી આપવામાં આવી નથી.
આ પણ વાંચો: કોરોનાના વધતાં કેસ વચ્ચે રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તૈયારીઓ શરૂ
દિલ્હીમાં તમામ શાળાઓમાં ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ
આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 65 હજારથી વધુ સરકારી શાળા આવેલી છે, તે પૈકી 18 હજારથી વધુ શાળામાં ઈન્ટરનેટ સુવિધા છે, એ જ રીતે મધ્ય પ્રદેશમાં 92 હજારથી વધુ શાળાઓ આવેલી છે, જેમાંથી 16 હજારથી વધુ શાળામાં સુવિધા ઊભી કરી શકાઈ છે જ્યારે રાજસ્થાનમાં 68 હજારથી વધુ સરકારી શાળાઓ આવેલી છે, જે પૈકી 36 હજારથી વધુ શાળામાં ઈન્ટરનેટની સવલત છે. ગુજરાત કરતાં પાડોશી રાજ્યોમાં સરકારી શાળાઓની સંખ્યા વધારે છે. દિલ્હીમાં તમામ શાળાઓમાં ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં લોકો ઈલેક્ટ્રોનિક વ્હીકલ તરફ, 3 માસમાં 23 ટકાનો ઉછાળો
દેશમાં 1.20 લાખથી વધુ સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબોરેટરી માટે મંજૂરી અપાઈ હતી
સરકારી શાળાઓમાં ડિજિટલ સેવા મુદ્દે ઉત્તર પ્રદેશની હાલત કફોડી છે, ઉત્તર પ્રદેશમાં 1.37 લાખથી વધુ સરકારી શાળા આવેલી છે, જે પૈકી માંડ 12,074 શાળામાં જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. આવી જ સ્થિતિ બિહારમાં જોવા મળે છે, બિહારમાં 75 હજારથી વધુ સરકારી સ્કૂલ પૈકી માંડ 4421 શાળામાં ઈન્ટરનેટ ઉપલબ્ધ છે. ચંદીગઢમાં તમામ 123 શાળાઓ ડિજિટલ સેવાથી સજ્જ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ ખાતે 388 શાળામાંથી 194 અને લક્ષદ્વિપમાં 38માંથી 37 સરકારી સ્કૂલમાં ડિજિટલ સેવા ઉપલબ્ધ છે. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં વર્ષ 2005-06થી 2022-23ના અરસામાં 7,199 શાળાઓમાં કોમ્પ્યુટર લેબોરેટરી ઊભી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી, સમગ્ર દેશમાં 1.20 લાખથી વધુ સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબોરેટરી માટે મંજૂરી અપાઈ હતી.