અમદાવાદમાં કન્જક્ટિવાઈટિસનો કહેર : માત્ર એક મહિનામાં 83 હજારથી વધુ કેસ નોંધાયા, જાણો કઈ ચીજવસ્તુથી લાગે છે ચેપ
- અમદાવાદમાં કન્જક્ટિવાઈટિસના એક મહિનામાં 83 હજારથી વધુ કેસ નોંધાયા
- અર્બન હેલ્થ સેન્ટરમાં 66 હજારથી વધુ
- કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 10 હજારથી વધુ કેસ
અમદાવાદ શહેરમાં અખિયાં મિલાકેના ટીખળી નામથી જાણીતા કન્જક્ટિવાઈટિસના કેસોમાં સતત વધારો થયો છે. સંક્રમિત દર્દીના સંપર્કથી આંખ માટેનો કન્જક્ટિવાઈટિસ નામનો રોગ ફેલાતો હોય છે. અમદાવાદમાં 10 જુલાઈથી 14 ઓગસ્ટ સુધીના સમયમાં અમદાવાદમાં કન્જક્ટિવાઈટિસના કુલ 83703 કેસ નોંધાયા હતા. મ્યુનિ.હસ્તકના અબર્ન હેલ્થ સેન્ટરમાં 66 હજારથી વધુ જ્યારે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 80થી વધુ અર્બન અને 10 જેટલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર શહેરના 48 વોર્ડ વિસ્તારમાં આવેલા છે. અર્બન હેલ્થ સેન્ટરમાં 14 ઓગસ્ટ0-23 સુધીમાં કન્જક્ટિવાઈટિસના કુલ 66,400 કેસ નોંધાયા હતા. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કુલ 10,747 કેસ કન્જક્ટિવાઈટિસના નોંધાયા હતા. આ સમય દરમિયાન મેડિકલ કોલેજ ખાતે કન્જક્ટિવાઈટિસના કુલ 6556 કેસ નોંધાયા હતા. કન્જક્ટિવાઈટિસના આ રોગથી કુલ 47542 પુરુષ અને 36161 મહિલાઓ સંક્રમિત થયા હતા.
લક્ષણો અને કાળજી
આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી, આંખમાં ચીપડા વળવા, આંખમાં દુખાવો અને પાંપણ પર સોજો આવે તેમજ યોગ્ય સારવારના અભાવે આંખની કીકી પર ચાંદી કે સોજો આવી જતાં દૃષ્ટિને નુકસાન થાય છે. વરસાદમાં કપડાંમાં બેક્ટેરિયા મરી જાય તેવા લિક્વિડનો ઉપયોગ કરવો, ઘરમાં સૂકવેલાં કપડાં સંપૂર્ણ સુકાય તેની કાળજી રાખવી, દર્દીનાં કપડાં અલગ ધોવાં અને અલગ જગ્યાએ મૂકવાં, નિયમિત દવા નાખવી, આંખને વધુ અડકવું નહિ, નિયમિત દવાથી ત્રણ દિવસમાં રોગ કંટ્રોલમાં આવે અને અઠવાડિયામાં મટી શકે છે.
ઘરમાં સુકાતાં અડધાં ભીનાં કપડાંમાં રહેતા પણ રોગ ફેલાઈ શકે
બેક્ટેરિયાના કારણે એકથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરતો આ રોગ ઘરમાં સૂકવવામાં આવતાં અડધાં ભીનાં રહેતાં કપડાંમાં રહી જતા બેક્ટેરિયાથી પણ ફેલાઇ શકે છે, જેથી ચોમાસાની સિઝનમાં કપડાં પૂરેપૂરાં સુકાઇ જાય તેની તકેદારી રાખવી જરૂરી છે એટલું જ નહિ, કન્જક્ટિવાઇટિસના દર્દીએ વાપરેલી વસ્તુ કે કપડાંના ઉપયોગથી પણ આ રોગ અન્યમાં ફેલાતો હોય છે. ઘરમાં કોઇ વ્યકિતને કન્જક્ટિવાઇટિસ થયો હોય તેનાં કપડાં સાથે સૂકવેલાં બીજાં કપડાંમાં બેક્ટેરિયા ઝડપથી પ્રસરે છે, જેથી દર્દીનાં કપડાં ભલે જુદાં રાખ્યાં હોય છતાં આ ચેપ ફેલાય છે.
ચેપ તીવ્ર હોય તો આંખને હાનિ થઈ શકે છે
‘પિંક આઈઝ’ તરીકે ઓળખાતા આ રોગમાં જો ચેપ તીવ્ર હોય તો આંખના પારદર્શક પટલ કે આંખને હાનિ થઈ શકે છે, છતાં જો તકેદારી રાખવામાં આવે તો શરદીની જેમ ખાસ ટ્રીટમેન્ટ વિના થોડા દિવસોમાં તેમાંથી રાહત મળી શકે છે. શહેરમાં જ નહીં, પરંતુ રાજ્યનાં ઘણાં શહેરોમાં આંખો આવવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આંખો આવવી એ સામાન્ય અને જૂની બીમારી છે. આંખો આવે એટલે આંખોમાં પાણી આવવું, આંખો લાલ થવી, આંખોમાં સોજા અને ખંજવાળ આવે છે. આંખો આવે એટલે કોઇ ઘરગથ્થુ ઇલાજ ન કરતા, નજીકની કોઇ પણ હોસ્પિટલમાં જવું જરૂરી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કન્જક્ટિવાઈટિસ વકરતા આરોગ્ય વિભાગ હરકતમાં