ગીરનારની લીલી પરિક્રમાના 40 કિ.મીના રૂટ પર 500થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
જૂનાગઢઃ (Junagadh)કહેવાય છે લીલી પરિક્રમા સદીઓથી ચાલતી પરંપરા છે. (Girnar Lili parikrama)ભગવાન શ્રીકૃષ્ણએ સૌ પ્રથમ વખત ગિરનારની પરિક્રમા કરી હતી. આ વર્ષે 23 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી લીલી પરિક્રમાનું આયોજન કરાયું છે. ગિરનારની લીલી પરિક્રમા માટે જિલ્લાના વહીવટી અને પોલીસતંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.(police) ગિરનારની 40 કિમીની પરિક્રમાને લઇ 200થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ લોકોની સેવામાં જોડાશે. આ તરફ હાર્ટએટેકની ઘટનાઓને લઇ 25 જેટલા મેડિકલ કેમ્પમાં MD ડોક્ટર પણ તૈનાત કરાવામાં આવનાર છે. 40 કિલોમીટરના રૂટ પર 500થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
15 લાખથી વધુ લોકો લીલી પરિક્રમામાં જોડાઈ શકે છે
ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી 15 લાખથી વધારે લોકો લીલી પરિક્રમામાં જોડાય તેવી શક્યતા છે. જેને લઇને ST વિભાગ તેમજ રેલવે વિભાગ દ્વારા યાત્રિકો માટે ખાસ સુવિધાઓ અને રૂટ શરૂ કરવામાં આવ્યા છે. આ પરીક્રમા દરમિયાન 200થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ, 25 થી વધુ મેડિકલ કેમ્પ અને આ વખતે ખાસ હાર્ટ એટેકને લઇ MD ડોકટર પણ તૈનાત રખાશે. પીવાના પાણીના 15 પોઇન્ટ, લાઈટ અને લોકો ની સુરક્ષા ને લઇ 500 થી વધુ પોલીસ કર્મી યાત્રા રૂટ પર તૈનાત રહેશે.
40 કિમી ની યાત્રા ચાર પડાવમાં પાર થાય છે
ગિરનારની પરિક્રમા શરૂ કરતાં યાત્રિકો 40 કિમી ની યાત્રા દરમિયાન મુખ્ય ચાર પડાવ ચાર દિવસમાં પાર કરે છે. સૌ પ્રથમ કારતક મહિનની અગિયારસે રાતે બાર વાગ્યે પરિક્રમા રૂટ પરથી પૂજા પ્રાર્થના કરી પરિક્રમા શરૂ થાય છે અને આખી રાત ચાલ્યા બાદ પ્રથમ પડાવ જીણાબાવાની મઢી પહોંચે છે. ત્યાં ભોજન-ભજન અને ભક્તિ સાથે રાતવાસો કરી બીજા દિવસે ઇટવાની ઘોડી અને મેળવેલાંની કપરી ઘોડીનું ચઢાણ કરી માળવેલાની જગ્યામા પહોંચે છે જે એકદમ ગાઢ જંગલોમાં આવેલ છે. ત્યાં બીજા પડાવનો રાતવાસો કરે છે. ત્રીજા દિવસે ત્યાંથી આગળ ચાલતાં ચાલતાં સુરજકુંડ, સુખનાળા થઈ બોરદેવી પહોંચે છે ત્યાં કુદરતી જંગલનો માહોલ અને વન્યજીવોના ખતરા સાથે રાતવાસો કરે છે. આખરે ચોથા દિવસે બોરદેવીથી આગળ ચાલતા ભવનાથ પહોંચે છે અને દામોદરકુંડમાં સ્નાન કરી યાત્રા પૂર્ણ કરે છે.