લમ્પીનો કહેર: ધાનેરાના મગરાવા ગામમાં 500થી વધારે પશુઓ લમ્પીમાં સપડાયા
ધાનેરા તાલુકાના મગરાવા ગામેથી લમ્પી વાયરસની શરુઆત થતાં ધાનેરાના જડીયા તેમજ લવારા ગામે પણ આ રોગ પશુઓમાં પ્રસર્યો હતો. જ્યારે મગરાવા ગામમાં 500થી પણ વધારે પશુઓ આ રોગના શિકાર બન્યા છે. અને 100 જેટલા પશુઓ મોત થયાનો અગ્રણીનો દાવો છે. એક પશુપાલકને છ ગાયમાંથી ચાર ગાયના મોત થતાં તેના પરીવારની હાલત કફોડી બની છે.
બનાસકાંઠા જીલ્લામાં લમ્પી વાયરસનો કહેર
બનાસકાંઠા જીલ્લાના ધાનેરા, દિયોદર, વાવ, થરાદ તાલુકામાંલમ્પી વાયરસના કારણે મોટા પ્રમાણમાં ગાયોના મોત નિપજયા છે. ત્યારે ધાનેરામાં લમ્પી વાયરસનું ઉદ્ભવ કેન્દ્ર મગરાવા ગામ છે. આ ગામમાંથી આ વાયરસની શરુઆત થઇ હતી. તેના કારણે ગામમાં આજે 500 કરતા વધારે પશુઓ આ વાયરસના શિકાર બન્યા છે. જેમાં 100 જેટલા પશુઓ મર્યા હોવાના ગામના અગ્રણીએ જણાવ્યું હતું. તાલુકાના અન્ય ગામડાના પશુપાલકોમાં પણ આ બાબતે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મગરાવા ગામમાં મોટા પ્રમાણમાં આ રોગના કારણે પશુઓના મોત નિપજ્યા છે.
પશુપાલકની ચાર ગાયના મોત
મગરાવા ગામના રુપાભાઇ નવાભાઇ પટેલને ત્યાં છ ગાયો હતી. જેમાંથી લમ્પી વાયરસના કારણે ચાર દુઝણી ગાયોના અચાનક મોત થતા આ ગરીબ પરીવાર ઉપર આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરના તમામ સભ્યોના આંખમાં આંસુઓ જોવા મળી રહ્યા છે. આ અંગે કલુબેને હમ દેખેંગે ન્યૂઝને જણાવ્યું હતું કે અમારે છ ગાયો હતી અને તે પણ લોન ઉપર લીધી હતી. પરંતુ આ રોગ આવવાના કારણે તેમાંથી જે દુઝણી ચાર ગાયો હતી તેના મોત નિપજ્યા છે. જેના લીધે અમારે આ ગાયોની લોનના હપ્તા ચુકવવા પણ મુશ્કેલ બન્યા છે.
દુધની આવકમાં પણ ઘટાડો થયો છે- રત્નાભાઇ પટેલ (મંત્રી દુધ ડેરી)
લમ્પી વાયરસના કેરને લીધે મગરાવા ગામની ડેરીમાં રોજનું 1000 લીટર દુધ ઘટ્યુ છે. આ પશુઓને બનાસડેરીની ટીમો દ્વારા તેમજ સરકારી ડોક્ટારો દ્વારા સારવાર પણ આપવામાં આવી રહી છે. આ વાયરસથી પશુ પાલકોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાના દિવસો આવ્યા છે.
મગરાવામાં 450 પશુઓ લમ્પીનો ભોગ બન્યા છે – ડો. મોદી (વેટરનરી ડોક્ટર)
હાલમાં મગરાવામાં 450 જેટલા પશુઓ લમ્પી વાયરસના ભોગ બન્યા છે અને ૩૦ જેટલા જ પશુઓના મોત થયા છે. હાલમાં બીજા ગામડાઓમાં પણ ટીમ દ્વારા તપાસ ચાલુ છે. પરંતુ ખાસ કરીને મગરાવા સિવાય ભાગ્યે જ કેશ જોવા મળ્યા છે. જ્યારે જાડી અને લવારામાં પણ હવે વાયરસ કાબુમાં છે. જે પશુઓ અસરગ્રસ્ત હતા. તે પણ સાજા થઇ ગયા છે. મગરાવા ગામે પણ પશુઓને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ગામમાં 100થી વધારે પશુઓના મૃત્યુ થયેલ છે- મફાભાઇ રબારી(અગ્રણી)
મગરાવા ગામમાં વાયરસ રાજસ્થાનથી આવ્યો હતો. શરુઆતમાં અમે પશુપાલન વિભાગને જાણ કરી હતી કે, આવો રોગ છે પરંતુ શરુઆતમાં તેમની નિષ્કાળજી જોવા મળી હતી. આજે ગામમાં 500 થી વધારે પશીઓ રોગની ઝપેટમાં આવ્યા છે. અને 100 કરતા વધારે પશુઓના મોત નિપજ્યા છે. પરંતુ સરકાર દ્વારા આ ગરીબ પશુપાલકોના પશુઓના આંકડા પણ કોરોનાની જેમ છુપાવવામાં આવી રહ્યા છે. ખરેખર સરકાર દ્વારા આ ગરીબ પશુપાલકોને સહાય આપવી જોઇએ.