ઓવોઃ નાઈજીરિયાના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા એક ચર્ચમાં રવિવારે અજાણ્યા શખસોએ અચાનક જ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 50 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પેન્ટોકોસ્ટની ઉજવણી કરવા ભેગા થયા હતા
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કેટલાક સશસ્ત્ર માણસો ઓવોમાં આવેલા સેન્ટ ફ્રાન્સિસ ચર્ચમાં ઘૂસ્યા હતા અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ દરમિયાન તેમણે ચર્ચમાં વિસ્ફોટ પણ કર્યો હતો. મહત્ત્વનું છે કે, રવિવારે પેન્ટેકોસ્ટના તહેવારની ઉજવણી કરવા માટે ખ્રિસ્તીઓ ચર્ચમાં પ્રાર્થના માટે એકઠાં થયા હતા. ગોળીબારના અવાજ વચ્ચે ચર્ચમાં આનંદ અને ઉજવણીનો માહોલ હતો, જે ચીસોમાં ફેરવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતકોમાં ઘણા બાળકો પણ સામેલ છે.
કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી
ન્યૂઝ એજન્સી એપી અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા પચાસ લોકો માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. સત્તાવાર રીતે નાઇજિરિયનના સત્તાધીશોએ મૃતકાંકની પુષ્ટિ કરી નથી. પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો મૃત્યુઆંકને પચાસ કરતાં વધુ જણાવી રહ્યું છે. આ હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ ઉપરાંત હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી પણ લીધી નથી. આ કોઈ સ્થાનિક જૂથનું કામ છે કે પછી આતંકવાદી હુમલો? પ્રશાસન આ અંગે કંઈ પણ કહેવાનું સ્પષ્ટપણે ટાળી રહ્યું છે.