અમદાવાદમાં વિઘ્નહર્તાની વિદાયમાં 51 કુંડમાં 5 હજારથી વધુ શ્રીજીનું વિસર્જન કરાયું
- અબીલ ગુલાલની છોળો, ડીજેના તાલ અને ગણેશભક્તિના ગીતો વચ્ચ ભક્તો ઝૂમી ઉઠયા
- શહેરના તમામ માર્ગો પર ગણેશજીની મહાયાત્રાઓ નીકળી હતી
- મોટાભાગે આ વર્ષે માટીના ઇકોફ્રેડલી ગણપતિજીની મૂર્તિઓનું સ્થાપન કરાયું
અમદાવાદમાં વિઘ્નહર્તાની વિદાયમાં 51 કુંડમાં 5 હજારથી વધુ શ્રીજીનું વિસર્જન કરાયું છે. જેમાં શહેરમાં મંગળવારે શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્ણ માહોલ વચ્ચે મહાગણેશ વિસર્જન યાત્રાઓ નીકળી હતી. જેમાં રિવરફ્રન્ટ સહિત 30થી વધુ સ્થળોએ બનાવેલા 51 કુંડમાં પાંચ હજારથી વધુ શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અબીલ ગુલાલની છોળો, ડીજેના તાલ અને ગણેશભક્તિના ગીતો વચ્ચ ભક્તો ઝૂમી ઉઠયા હતા.
આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ
મોટાભાગે આ વર્ષે માટીના ઇકોફ્રેડલી ગણપતિજીની મૂર્તિઓનું સ્થાપન કરાયું
સાર્વનજિનક પંડાલ અને ઘરમાં સ્થાપેલા ભગવાન ગણેશજીની મૂર્તિની છેલ્લા 11 દિવસથી પૂજા-સેવા કર્યા બાદ ભક્તોએ ભારે હૈયે અને આશ્રુભીની આંખે વિદાય આપી હતી. ગણપતી બાપા મોરિયા…., અગલે બરસ તુમ ઝલદી આના…એક, દો, તીન, ચાર ગણપતિ કી જયજય કાર ના નારાઓ વચ્ચે ભક્તિમય માહોલ સર્જાયો હતો. કુંડ, નદી, તળાવ , કેનાલમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન બાદ મંગળવારે ગણેશ મહોત્સવનું સમાપન થયું હતું. અમદાવાદમાં મોટાભાગે આ વર્ષે માટીના ઇકોફ્રેડલી ગણપતિજીની મૂર્તિઓનું સ્થાપન કરાયું હતું.
શહેરના તમામ માર્ગો પર ગણેશજીની મહાયાત્રાઓ નીકળી હતી
મોટાભાગના લોકોએ ઘરે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી ઘરઆંગણે જ તેનું પાણીના કુંડમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વિસર્જન કર્યું હતું. મૂર્તિની માટીને છોડના ક્યારામાં મુકીને અને પાણીનો ઘરમાં છંટકાવ કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મ્યુનિ.કોર્પોરેશને બનાવેલા કુંડોમાં પણ છેલ્લા દિવસે ગણેશવિસર્જન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. મંગળવારે શહેરના તમામ માર્ગો પર ગણેશજીની મહાયાત્રાઓ નીકળી હતી. જેના કારણે ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઇ હતી. રોડ પર નાચગાન, ગરબા અને અનેરા ઉત્સાહ સાથે ભક્તો ગણેશજીને અંતિમ વિદાય આપવા અને આવતા વર્ષે ફરી પધારવાની વિનંતી કરતા જોવા મળ્યા હતા.