ચૂંટણી પહેલા કર્ણાટકમાં 5 કરોડથી વધુની રોકડ, 3 કિલો સોનું અને 68 નંગ ચાંદીની લગડીઓ જપ્ત
- કર્ણાટકના બેલ્લારીમાં પોલીસ દ્વારા સોનાના વેપારીના ઘરે દરોડા પાડીને મોટી કાર્યવાહી કરવામાં આવી
બેલ્લારી(કર્ણાટક), 8 એપ્રિલ: લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકના બેલ્લારીમાં પોલીસે 5.60 કરોડ રૂપિયાની રોકડ રકમ, 3 કિલો સોનું, 103 કિલો ચાંદીની જ્વેલરી તેમજ 68 ચાંદીની લગડીઓ જપ્ત કરી છે. પોલીસે બેલ્લારીના બ્રુસ ટાઉનમાં દરોડો પાડ્યો હતો. આ રકમ કાંબલી બજારમાં હેમા જ્વેલર્સના માલિક નરેશના ઘરેથી મળી આવી છે અને આરોપી નરેશને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બેલ્લારીના બ્રુસપેટ પોલીસ મથકે આ કામગીરી હાથ ધરી હતી.
#WATCH | Ballari, Karnataka: Police seized Rs 5.60 crore in cash, 3 kg of gold, and 103 kg of silver jewellery with 68 silver bars. One person has been taken into custody and is being interrogated. Further details awaited: Police pic.twitter.com/PcT4rYtxMm
— ANI (@ANI) April 8, 2024
પોલીસને હવાલા વ્યવહારની આશંકા
બેલ્લારીના એસપી રણજીત કુમાર બંડારુના જણાવ્યા અનુસાર આ પૈસા નરેશ સોનીના છે. કુલ 5 કરોડ 60 લાખની રોકડ, 68 ચાંદીની લગડી, 103 કિલો ચાંદીના દાગીના અને 3 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે કહ્યું કે અમને આનાથી સંબંધિત કોઈ માન્ય દસ્તાવેજ મળ્યા નથી. પોલીસને હવાલા વ્યવહારની શંકા છે અને તપાસ ચાલુ છે. પોલીસે આ મામલે KP એક્ટની કલમ 98 હેઠળ કેસ નોંધ્યો છે. તેમણે કહ્યું કે, તપાસ બાદ આઈટી વિભાગને માહિતી આપવામાં આવશે.
કોઈ માન્ય દસ્તાવેજ વગરનું સોનું-ચાંદી મળી આવ્યું
બેલ્લારીમા એક સોનાના વેપારીના ઘરે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેણે પોતાના ઘરમાં પૈસા, દસ્તાવેજો વગર સોના-ચાંદીના દાગીના રાખ્યા હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. એસપી રણજીત કુમાર બંડારુ, ડીવાયએસપી ચંદ્રકાંત નાંદરેડ્ડી, બ્રુસપેટ સીપીઆઈ એમ.એન. અને એફ.એસ.ટી.ની ટીમના માર્ગદર્શન હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા હતા અને લોકસભા ચૂંટણી પહેલા પૈસા તેમજ દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.
આ પણ જુઓ: હિંદુ નવ વર્ષનું નામ પિંગલ, નવા વર્ષમાં મંગળ ગ્રહ રાજા અને શનિ હશે મંત્રી