સુરતમાં 3 ઇંચ થી વધુ વરસાદ, રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી
ગાંધીનગર: રાજય માં ઘણી જગ્યાએ છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 8 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આણંદ,વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
સુરત જિલ્લા માં બપોરના સમયે ભારે વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા . સુરતમાં 2થી 4 કલાક સુધી માં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. કતારગામ ઝોનમાં માત્ર 2 કલાકમાં જ 78 MM વરસાદ પડતા ગરનાળામાં પાણી ભરાઇ ગયુ હતુ. જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
હવામાન વિભાગ દ્વારા 5 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 5,6 અને 7 ઓગસ્ટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 8 અને 9 ઓગસ્ટ થી વરસાદનું જોર વધશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ, સુરત, દાદરા નગર હવેલીમાં 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા ખાપરી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોચ્યું છે. વરસાદને કારણે કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે દરિયા કાંઠે વસતા લોકોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અને માછીમારોને આ દરમ્યાન દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 71.10 ટકા વરસાદ પડયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં 118.12 ટકા વરસાદ પડયો છે. ઉત્તર ગુજરાતમાં 58.05 ટકા વરસાદ , પૂર્વ-મધ્ય ગુજરાતમાં 58.05 ટકા વરસાદ , સૌરાષ્ટ્રમાં 62.56 ટકા વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં 83.57 ટકા વરસાદ પડયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્ય માં કુલ 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લામાં વરસાદ પડયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના વિડયામાં 57 MM પડયો છે.