બનાસકાંઠામાં અર્બુદા સેનાના 25 થી વધુ કાર્યકરોની કરાઈ અટકાયત
પાલનપુર: મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી ની ધરપકડ બાદ અર્બુદા સેના લાલઘૂમ છે. અર્બુદા સેના દ્વારા આજે (ગુરુવારે) બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીને જેલમાંથી છોડવાની માગણીને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર ખાતે સરકાર વિરોધી સૂત્રોચાર પોકારતા અર્બુદા સેનાના કાર્યકરો પાલનપુર ની કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જોકે અર્બુદા સેનાના કાર્યકરો વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માગણી સાથે પહોંચતા જ બંદોબસ્તમાં ઉભેલી પોલીસે કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દીધા હતા. દરમિયાન અર્બુદા સેનાના કાર્યકરો સરકારી વિરોધી સૂત્રોચાર કરતા રહ્યા હતા અને કલેક્ટર કચેરીના દરવાજા આગળ જ બેસી ગયા હતા. જેને લઈને પોલીસે આ કાર્યકરોને પકડી પોલીસવાનમાં બેસાડીને લઈ ગયા હતા.
પાલનપુર, ધાનેરા અને છાપી પોલીસ મથક દ્વારા કાર્યવાહી
જ્યારે પાલનપુર તેમજ ધાનેરામાં પણ પોલીસે અર્બુદા સેનાના કાર્યકરોની અટકાયત કરી હતી. તેમને ધાનેરાના પોલીસ મથકમાં રાખવામાં આવ્યા હતા. બીજી તરફ વડગામ તાલુકાના છાપી ખાતે પણ અર્બુદા સેનાના કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં અર્બુદા સેનાના 25 થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. અર્બુદા સેનાના એક આગેવાને જણાવ્યું હતું કે લોકશાહીમાં લોકોને વિરોધ કરવાનો અધિકાર હોવા છતાં પોલીસ દ્વારા ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે. પરંતુ અર્બુદા સેનાનું આંદોલન જ્યાં સુધી વિપુલ ચૌધરીને જેલમાંથી છોડવામાં આવશે નહીં ત્યાં સુધી ચાલુ જ રહેશે.
આ પણ વાંચો : દ.ગુજરાતમાં નવસારી-વલસાડ નજીક 3.5 તીવ્રતાનો ભૂકંપ આંચકો
અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકાના પેછડાલ ગામ ખાતે ગત સપ્તાહે અર્બુદા સેનાના કાર્યકરોનું રેલી બાદ એક વિશાળ સંમેલન મળ્યું હતું. જેમાં હાજર રહેલા રાજકીય આગેવાનો તેમજ સંતો અને મોટી સંખ્યામાં હાજર રહેલા ભાઈ- બહેનોએ વિપુલ ચૌધરીને છોડવા નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
અર્બુદા સેનાના સમર્થનમાં મેવાણી
બનાસકાંઠામાં અર્બુદા સેના ના કાર્યકરોની અટકાયત કરાતા વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ પણ પોલીસે કાર્યકરો ની કરાયેલી અટકાયતને ગેરકાયદેસર ગણાવી તેનો વિરોધ કર્યો હતો અને ટ્વિટ કર્યું હતું.