ગુજરાતધર્મસંવાદનો હેલ્લારો

200થી વધુ વર્ષ જૂના પુસ્તકો સચવાયા છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં

Text To Speech

આપણાં આખા જીવનમાં થતી બધી જ ક્રિયાઓમાંની સૌથી ઉત્તમ અને મહત્વપૂર્ણ ક્રિયા વાંચન છે. વાંચનને આપણાં મગજ અને આત્માનો ખોરાક કહેવાય છે. વાંચન ખુબ જ જરૂરી છે. આપણાં વ્યક્તિત્વને નિખાર આપવા લોકોની ભીડમાંથી અગલ તરી આવવું હોય તો વાંચન આવસ્યક છે. વાંચનમાં એક અદ્ભુત શક્તિ છે, આપણાં જીવનમાં પુસ્તકોનું વાંચન જે મદદ કરી શકે છે એ બીજું કોઈ કરી શકતું નથી અને એટલે જ કહેવાય છે કે, પુસ્તકો સાચા મિત્રો છે. સારા પુસ્તક વિનાનું ઘર સ્મશાન જેવું છે. સારા પુસ્તકો જેવું કોઇ કાયમી મિત્ર નથી. જે પુસ્તકો તમને સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે, તે પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક નીવડે છે. ત્યારે પુસ્તકોના મહત્વને ઉજાગર કરે છે સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટી. જેમાં 200થી વધુ વર્ષ જૂના પુસ્તકો સચવાયા છે અને આજે પણ વિદ્યાર્થીઓ એ અપ્રાપ્ય એવા પુસ્તકો વાંચી રહ્યા છે.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ગ્રંથાલયમાં 28,000 જેટલા પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સંદર્ભ ગ્રંથો, ગુજરાતી અને હિન્દી વિશ્વકોશો, ભગવદ,ગૌ મંડળ વિશ્વકોષ, યોગ, આયુર્વેદ, સંસ્કૃત, સાહિત્ય, પુરાણો, જયોતિષ, વાસ્તુશાસ્ત્ર, ન્યાય, ધર્મ-કર્મકાંડ, નવલકથા સહિતના પુસ્તકોનો વિપુલ ખજાનો છે. ડીજીટલાઈઝેશન કરવામાં આવ્યું છે.

આ ગ્રંથાલયમાં 200થી વધારે વર્ષ પહેલાંના આજે અપ્રાપ્ય બનેલા મૂલ્યવાન ગ્રંથો પણ છે. જેમ કે નિર્ણય સિંધુ-સં.1886, યંત્ર ચિંતામણી શક સે-1734, ત્રિપુર સુંદરી પૂજનમ-વિ.સં.1954, પિતૃ સંહિતા-1854, વાજસનેયી સંહિતા-વિ.સં.1904, શરભયંત્ર-વિ.સં. 1935, ઋષિ તર્પણ-1861, શુકલ-યુર્જુવેદ-1855 સહિતના અનેક પુસ્તકો પણ છે. જેનો લાભ વિદ્યાર્થીઓ, સંશોધકો લઈ રહ્યા છે.

સોમનાથ મંદિરના પુસ્તકાલયમાં 200થી વધુ વિદ્યાર્થીઓ રોજ વાંચે છે
સોમનાથ મંદિરનાં કનૈયાલાલ મુન્શી ગ્રંથાલયમાં દુર-દુરના ગામડામાંથી 200થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો વાંચવા નિયમિત આવે છે.અહીં સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા 2,000થી વધુ પુસ્તકો છે. જયારે વાંચનાલયમાં 9,000થી વધુ પુસ્તકો છે.

‘મને કદી એકલા મૂકીને ન જતા રહે તેવા પુસ્તકો મારા મિત્રો છે. જેમની સાથે હું દરરોજ ચર્ચા કરું છું’

પુસ્તકોની મૈત્રી રાખનાર માનવીને કદી એકલાપણું સાલતું નથી. તેની કોટડીમાં અમર થઈ ગયેલા મહાપુરુષો અક્ષરદેહે બિરાજે છે. જગતના મહાન દાર્શનિકો, કવિઓ, મહાપુરુષો વગેરે તેને પ્રસંગોચિત માર્ગદર્શન આપવા હાજરા-હજૂર હોય છે. શ્રીમદ ભગવત ગીતા જેવા પુસ્તકોમાંથી અનેક મહાપુરુષોને સદીઓથી પ્રેરણા મળી રહી છે. આપ પણ ક્યારેક સોમનાથ દર્શનાર્થે જાઓ તો આ ગ્રંથાલયોની અચૂક મુલાતાત લેજો.

Back to top button