અંબાજી-હિંમતનગર હાઇવે પર દુર્ઘટના, 20થી વધુને ઈજા
- હટાડ ગામ નજીક ચાલકે કાબૂ ગુમાવતાં બસે મારી પલટી
અંબાજી-હિંમતનગર હાઈવે પર રવિવારે 24 સપ્ટેમ્બરે થયેલી એક દુર્ઘટનામાં 20થી વધુ મુસાફરોને ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ ખાનગી કંપનીની એક બસને આ અકસ્માત નડ્યો હતો.
હટાડ ગામ નજીક પથ્થર પર બસનું ટાયર ચડી જતાં બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેને કારણે 40 મુસાફરોથી ભરેલી બસ પલટી મારી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 20થી વધુ મુસાફરોને ઇજા થઈ હતી. અહેવાલ મુજબ ઇજાગ્રસ્તોને તત્કાળ 108 ઉપરાંત ખાનગી વાહનો અને પોલીસની જીપ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં 20થી વધુ લોકો થયાં ઇજાગ્રસ્ત
આ ખાનગી બસ પલટી મારી જતાં બાળકો, મહિલાઓ અને પુરુષો સહિતના બધી વયના લોકો ઇજાગ્રસ્ત થયાં હતા. બસનાં આ ગમખ્વાર અકસ્માતમાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેને પગલે ઇજાગ્રસ્તોને અંબાજી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાનાં અહેવાલ મળ્યા નથી તેમજ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
અંબાજીમાં ભાદરવી પૂનમનાં મહામેળાની રમઝટ સમયે દુર્ઘટના
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનાં મહામેળાની રમઝટ ચાલી રહી છે. જેને પગલે હજ્જારોની સંખ્યામાં ભક્તો દર્શને જઈ રહ્યા છે. ત્યારે આવા સમયે અંબાજી-હિંમતનગર હાઈવે પર બસ પલટી મારી જતાં દુર્ઘટના સર્જાઇ છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.