ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં 1 વર્ષમાં 19 હજારથી વધુ લોકોને શ્વાન કરડ્યાં; 3 બાળક સહિત 4ના મૃત્યુ

Text To Speech

સુરત, 12 ફેબ્રુઆરી 2024, શહેરમાં છેલ્લા એક વર્ષમાં શ્વાન કરડ્યાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં સિવિલ અને સ્મીમેરના આંકડા પ્રમાણે 19 હજાર 898 લોકોને શ્વાનોએ બચકાં ભર્યાં હતાં. જ્યારે છેલ્લા એક વર્ષમાં ત્રણ બાળકો સહિત ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ સમગ્ર દોષનો ટોપલો નોનવેજ વેચતા અને ખાનારા લોકો પર ઢોળ્યો હતો. સુરતમાં શ્વાનના હુમલાનો ભોગ બનેલા લોકોને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં એન્ટિ રેબીઝ રસી મૂકવામાં આવે છે. સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં દરરોજ 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

13 હજાર 643 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું
સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023-24માં 12 હજાર 251 લોકોને અને સ્મીમેર હોસ્પિટલમાં વર્ષ 2023-24માં 7 હજાર 647 લોકોને શ્વાન કરડ્યાં હોવાના કેસો નોંધાયા હતા. જ્યારે ગત વર્ષ એપ્રિલથી ફેબ્રુઆરી 2024 સુધીમાં ત્રણ બાળકો સહિત ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.2023-2024માં એપ્રિલથી ફેબ્રુઆરીમાં કુલ 15 હજાર 135 શ્વાન પકડવામાં આવ્યાં હતાં. જેમાં 13 હજાર 643 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. રોજના 60થી 70 રસીકરણના ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. રોજની પાંચ જેટલી પાર્ટી શ્વાન પકડવાની કામગીરી કરે છે.

5 દિવસની અંદર જે તે સ્થળે છોડી મૂકવામાં આવે છે
ભેસ્તાન ઢોર પાર્ટી ખાતે 630 શ્વાન રાખવાની કેપિસિટીવાળા ડબ્બા રાખવામાં આવે છે. પકડેલા શ્વાનને એનિમલ વેલ્ફેર ગાઇડલાઇન્સના નિયમ મુજબ 5 દિવસની અંદર જે તે સ્થળે છોડી મૂકવામાં આવે છે.સુરત શહેરમાં એક બાજુ રખડતાં શ્વાનના આતંક વચ્ચે તાજેતરમાં ભેસ્તાનમાં રખડતાં શ્વાન પકડવા ગયેલા કર્મચારીને બચકું ભરી લેતા નવી સિવિલમાં હડકવા વિરોધી રસી લેવી પડી હતી. ભેસ્તાન ખાતે પાલિકાના એબીસી સેન્ટરમાં રહેતો અને શ્વાન પકડવા સહિતનું કામ કરતો 18 વર્ષીય અનિલ પરિયાને શુક્રવારે સવારે સેન્ટર ખાતે રખડતા શ્વાને બચકું ભર્યું હતું.

આ પણ વાંચોઃસુરેન્દ્રનગરના બુબવાણા પાસે ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ત્રણ શ્રમિકોના મૃત્યુ

Back to top button