અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાત

દૂધની ગુણવત્તા માટે સરકાર બની ગંભીરઃ ગુજરાત સહિત ચાર રાજ્યોના ટેન્કરોની આકસ્મિક તપાસ

ગાંધીનગર, 3 જાન્યુઆરીસ 2025: દૂધની ગુણવત્તા બાબતે સરકાર એકાએક ગંભીર બની છે અને દૂધનું પરિવહન કરતાં ટેન્કરોની આકસ્મિક તપાસ કરવાનું શરૂ કર્યું છે જેથી પરિવહન દરમિયાન કોઈ મિલાવટ થઈ હોય તો એ પકડી શકાય. આ સંદર્ભમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ 182થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં આશરે 22 લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. સ્પેશિયલ સ્કોડ દ્વારા રતનપુર, બાજીપુરા અને પિતોલ ચેકપોસ્ટ તથા હિંમતનગરની સાબર ડેરી એમ કુલ ચાર જગ્યાઓ પર સઘન ચકાસણી કરવામાં આવી હતી.

તંત્રના કમિશ્નર ડો. એચ.જી.કોશિયાએ કહ્યું કે, રાજ્યની 14 જેટલી ડેરીઓ પર 150થી વધુ ટેન્કરોમાં વહન થતા દૂધની તપાસ કરવામાં આવી હતી અને 900 જેટલા દૂધના નમૂનાની સ્થળ પર જ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.

રાજ્યની અલગ-અલગ બોર્ડર પર સઘન તપાસ હાથ ધરવામાં આવી

રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જેના પરિણામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યની અલગ-અલગ બોર્ડર પર સઘન તપાસ હાથ ધરીને પરપ્રાંતથી આવતા ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી આ ટેન્કરોના દૂધના 40થી વધુ નમૂના સ્થળ પર જ ચકાસવામાં આવ્યા હતા. વધુમાં, તંત્ર દ્વારા રાજ્યમાં આવેલી 14 જેટલી ડેરી પર 150થી વધુ ટેન્કરો સહિત કુલ 182થી વધુ દૂધના ટેન્કરોના આશરે 22 લાખ લીટર જેટલા દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડો. એચ.જી.કોશિયાએ કહ્યું કે, તંત્રને રાજ્યમાં વેચાણ થતા દૂધની ગુણવત્તા બાબતે નાગરિકો તરફથી અવારનવાર ફરિયાદો મળતી હોય છે, જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દુધની વેચાણ કરતી ડેરીઓ અને દૂધનું વહન કરતા ટેન્કરોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 14 જેટલી મોટી ડેરીઓ તથા 150થી વધુ ટેન્કરોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રાજ્યમાંથી ટેન્કર, કેન તથા અન્ય માધ્યમથી ડેરીમાં આવતા 900 જેટલા દૂધના નમૂનાની સ્થળ પર જ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દૂધનો 15 લાખ લિટરથી વધુનો જથ્થો ધારાધોરણ મુજબનો માલુમ પડ્યો હતો અને જેમાં અન્ય કોઈ પણ પ્રકારના પદાર્થ જેવા કે યુરિયા, શુક્રોઝ, માલ્ટોડેક્ષટ્રીન, સોડિયમ બાયકાર્બોનેટ, ડિટર્જન્ટ કે અન્ય હાનિકારક કેમિકલની હાજરી જોવા ન મળી હતી.

કમિશ્નરે ઉમેર્યું કે રાજ્યકક્ષાની સ્પે. સ્કોડ દ્વારા રાજ્યની વિવિધ ચેક પોસ્ટ ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક ઝુંબેશના ભાગરૂપે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પરપ્રાંતથી આવતા દૂધના ટેન્કરોની તપાસ કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા અરવલ્લી જિલ્લાની રતનપુર ચેકપોસ્ટ, તાપી જિલ્લાની બાજીપુરા ચેકપોસ્ટ, દાહોદ જિલ્લાની પિતોલ ચેકપોસ્ટ, અને હિંમતનગરની સાબર ડેરી એમ કુલ ચાર જગ્યાઓ પર વહેલી સવારે પેટ્રોલિંગ કરીને ત્યાં આવતા દૂધના ટેન્કરોમાંથી દૂધના નમુના લઇ સ્થળ પર જ મિલ્કોસ્કેન મશીનનો ઉપયોગ કરી ફુડ સેફ્ટી વાનમાં ચકાસણી કરવામાં આવી હતી.

 દૂધના નમૂનાની રાજ્ય વ્યાપી ડ્રાઈવ

કમિશ્નર ડો. એચ.જી.કોશિયાએ કહ્યું કે, આ સઘન તપાસ દરમિયાન અન્ય રાજ્યમાંથી આવતા કુલ 31 દૂધના ટેન્કરો ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ 41 દૂધના નમૂના મિલ્કોસ્કેન મશીનમાં સ્થળ ઉપર જ ચેક કરવામાં આવ્યા હતા. આ તમામ દૂધના નમૂનાઓ ધારાધોરણ મુજબના જોવા મળ્યા હતા. આ ઉપરાંત કુલ 29 સર્વેલન્સ નમૂના લઈને લેબોરેટરીમાં વધુ ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આમ, કુલ 6.25 લાખ લિટરથી વધુ દૂધનું રાજ્યની બોર્ડર પર અલગ-અલગ ચેકપોસ્ટ ઉપર વહન દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં 10 હજારથી 28 હજાર લિટર દુધની કેપેસિટીનું વહન કરી શકે તેવા ટેન્કરો જે-તે ડેરી દ્વારા સીલ કરીને અને દૂધના રિપોર્ટ સાથે વહન થતા હતા, જેથી તેના વહન દરમિયાન રસ્તામાં ભેળસેળ અટકાવી શકાય.

કમિશ્નરે વધુમાં કહ્યું કે, તંત્ર દ્વારા સમયાંતરે પણ દૂધના નમૂનાની રાજ્ય વ્યાપી ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે. ગત વર્ષે 3300 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં 3 ટકા જેટલા નમુનાઓ ધારાધોરણ મુજબના ન હોવાથી તેમની સામે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ, તંત્ર દ્વારા કરવામાં આવતી આ તપાસથી રાજ્યમાં દૂધમાં વ્યાપક પ્રમાણમાં થતી ભેળસેળને સમર્થન મળતું નથી અને દૂધ જેવા પ્રાથમિક ખોરાકમાં ગુણવત્તા બાબતે કોઈ બાંધછોડ ન થાય તે માટે તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવે છે.

આ પણ જૂઓ: ગુજરાતમાં SMCની મોટી કાર્યવાહી, વર્ષ 2024માં 22 કરોડનો દારૂ ઝડપ્યો

Back to top button