ગુજરાતટોપ ન્યૂઝ

મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા 140થી વધુ લોકોના મોત, હજુ પણ અનેક લાપતા, મૃતકોમાં સૌથી વધુ બાળકો

મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં વહેલી સવાર સુધીમાં આશરે 140થી વધુ લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના પછી આશરે 177 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 19 લોકોને નાની-મોટી ઈજા હોવાથી વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ રખાયા છે. જેમાંથી ત્રણ વ્યક્તિને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. બીજી તરફ પુલ તૂટ્યા પછી મચ્છુ નદીમાં ગરકાવ હતભાગીઓને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. પુલ તૂટ્યા પછી ઘટનાસ્થળે રાજકોટ મહાનગર પાલિકાની બોટ અને લાઈફ જેકેટ સહિતની બચાવ સામગ્રી સાથે ફાયર બ્રિગેડની ટીમ મોરબી પહોંચી ગઈ હતી અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું.  બચાવકાર્યમાં લાગેલી ટૂકડીઓ તેમજ ખડેપગે રહેલા અધિકારીઓએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

ગુનેગારો સામે ફરિયાદ નોંધાઈ

મોરબીની ગોઝારી હોનારતમાં અંતે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગુનેગારો સામે સામે આઇપીસીની કલમ 304, 308, 114  હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. ગોઝારી દુર્ઘટનામાં અનેક મોટા માથાની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.

આ દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્યમંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી વગેરેએ પણ અડધી રાતે ઘટનાસ્થળે જઈને બચાવ ઓપરેશનને રૂબરૂ નિહાળીને દિશાસૂચન કર્યા હતા.

જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી વિગતો મુજબ ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા પછી તંત્ર તુરંત જ સક્રિય થઈ ગયું હતું અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત અન્ય સ્થળોની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચવા લાગી હતી. બીજીતરફ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ આરોગ્ય કેન્દ્રો, રાજકોટ પીડીયુ હોસ્પિટલ તેમજ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના 40 જેટલા ડોક્ટરોએ ખડેપગે રહીને ઈમરજન્સી સારવાર શરૂ કરી હતી.

પૂરજોશમાં બચાવ કામગીરી

તમામ ઈજાગ્રસ્તોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવા રાજકોટ, જામનગર, જુનાગઢ મહાનગર પાલિકા તેમજ મોરબી પાલિકાની મળીને 25 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ આખી રાત દોડતી રહી હતી. અનેક ખાનગી એમ્બ્યુલન્સ પણ આ બચાવકાર્યમાં જોડાઈ હતી. સુરેન્દ્રનગરની આર્મીની ટીમ પોતાની ત્રણ એમ્બ્યુલન્સ તેમજ સાધનસામગ્રી સાથે જોડાઈ હતી. આ ઉપરાંત એન.ડી.આર.એફ.ની વડોદરાની ત્રણ ટીમ તથા ગાંધીનગરની બે ટીમ મળીને કુલ પાંચ ટીમના 110 સભ્યો હવાઈ તથા જમીન માર્ગે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવકાર્યને ઝડપી બનાવ્યું હતું. જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ની જામનગરની બે પ્લાટુન, ગોંડલ તથા વડોદરાની ૩-૩ પ્લાટુનના કુલ 149 જેટલા સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જામનગર ગરુડ કમાન્ડોની એક ટીમ તથા સુરેન્દ્ગનગર અને ભુજની બે કંપની પણ આ બચાવકાર્ય માટે ખડે પગે રહી હતી. રાજકોટ ફાયરબ્રિગેડની સાત ટીમ 10 બોટ સાથે પહોંચી હતી. જામનગર અને પોરબંદરની નૌ સેનાની 2 ટીમના 50 ડાઈવર્સે મચ્છુ નદીમાં હતભાગીઓને શોધવાના ઓપરેશનમાં જોડાયા હતા.

આ દરમિયાન નગરપાલિકાઓના કમિશનરશ્રી રાજકુમાર બેનિવાલ, મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુ, રાજકોટ જિલ્લાના નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંત વ્યાસ, મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, મોરબી જિલ્લા પોલીસવડાશ્રી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો આખીરાત ખડેપગે રહ્યો હતો. દરમિયાન સ્થાનિક લોકો પણ તંત્રની કામગીરીમાં મદદરૂપ થતા રહ્યા હતા.

મોરબીમાં આ ઘટનાએ સાંજથી જ મોરબીમાં હાહાકાર મચાવી દીધો હતો. એક પછી એક વારાફરતી એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલે લવાયા હતા. મૃતકો, ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોથી આખી હોસ્પિટલ ઉભરાઈ ગઈ હતી. આને કારણે જાણે આખું મોરબી શહેર સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવી ગયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ત્યારે બીજીતરફ શહેર આખામાં ડરામણો સન્નાટો ફેલાઈ ગયો હતો.

NDRFની પાંચ ટીમોને રાહત કાર્ય માટે ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ સિવાય આર્મી, નેવી અને એરફોર્સે પણ આગેવાની લીધી છે. સ્થળ પર મેડિકલ ટીમ પણ તૈનાત છે. લગભગ 150 વર્ષ જૂનો આ કેબલ બ્રિજ પર્યટન માટે લોકપ્રિય સ્થળ હતું. તે રિનોવેશન માટે 7 મહિનાથી બંધ હતો. તે 26 ઓક્ટોબરના રોજ લોકો માટે ફરીથી ખોલવામાં આવ્યો હતો. પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખાનગી તબીબો અને પેરામેડિક્સની મદદ લેવી પડી હતી. રાજ્યના અન્ય ભાગોમાંથી 30 લોકોની ટીમ મોકલવામાં આવી છે.

અમદાવાદથી લગભગ 200 કિલોમીટરના અંતરે બનેલો આ ઝૂલતો પુલ સાંજે 6.42 વાગ્યે તૂટી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે લગભગ 500 લોકો બ્રિજ પર હતા અને છઠ પૂજા સાથે સંબંધિત ધાર્મિક વિધિઓ કરી રહ્યા હતા. આ પુલ તૂટવાનું મુખ્ય કારણ ઓવરલોડ છે. 100 લોકોની કેપેસિટી હોય અને 500થી વધુ લોકો ચઢી જાય તો શું થાય?

5 સભ્યોની કમિટીની રચના કરાઈ

ઘટનાની તપાસ માટે 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે જેમાં 01. રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, 02. કે.એમ.પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, 03.ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ, 04. સંદીપ વસાવા,સચિવ માર્ગ અને મકાન, 05. સુભાષ ત્રિવેદી, આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ મામલે એક ચીફ ઓફિસર દ્વારા નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે, ખાનગી કંપનીએ પુલનું રિનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજુબત છે? તેની ગુણવત્તા ચકાસ્યા વગર આવું કરી શકાય નહીં. હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જો પુલના કામમાં બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મૃત્યુ પામેલા લોકોના નામની યાદી નીચે મુજબ છે

Morbi Death Hum Dekhenge
Morbi Death Hum Dekhenge
Morbi Death Hum Dekhenge
Morbi Death Hum Dekhenge
Morbi Death Hum Dekhenge
Morbi Death Hum Dekhenge

 

 

 

Morbi Death Hum Dekhenge
Morbi Death Hum Dekhenge

આ પણ વાંચો : મોરબી: દુર્ઘટનાની તપાસ માટે SITની રચના, 5 અધિકારી સત્ય બહાર લાવશે!

 

Back to top button