કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

કચ્છની ૧૦૦૦ વર્ષથી પણ વધુ જૂની ખરડ કલાએ વટાવ્યા સીમાડા

  • ઊંટ, ઘેટા, બકરાના ઊનમાંથી બનતા આ નમુનાની આંતરરાષ્ટ્રીય-સ્થાનિક બજારમાં એક હજારથી એક લાખ સુધીની કિંમત
  • ૧૦ પેઢીથી ખરડ કલા સાથે સંકળાયેલા કુકમા પરિવારના તેજશીભાઇએ કલાને રાખી જીવંત
  • તેજશીભાઇએ રાષ્ટ્રીય અને રાજયકક્ષાના અનેક એવોર્ડ મેળવીને ખરડકલાને આપી ખ્યાતિ

કચ્છની ખરડ કલાએ સીમાડા વટાવ્યા છે. ઊંટ, ઘેટા, બકરાના ઊનમાંથી બનતા આ નમુનાની કલા ૧૦૦૦ વર્ષથી પણ વધુ જૂની રહેલી છે. જેની આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક બજારમાં એક હજારથી એક લાખ સુધીની કિંમતમાં ભાવ બોલાઈ રહ્યા છે. ત્યારે કુકમાનો પરિવાર ૧૦ પેઢીથી આ ખરડ કલા સાથે સંકળાયેલો છે. આ ખરડકલાને જીવંત રાખવા તેજશીભાઇએ નવી પેઢીને તાલીમ આપતા કચ્છમાં આ કલા સાથે વધુ કારીગરો પણ જોડાયા છે. આ કલા સાથે સંકળાયેલા કારીગર તેજશીભાઇએ રાષ્ટ્રીય અને રાજયકક્ષાના અનેક એવોર્ડ મેળવીને ખરડકલાને ખ્યાતિ આપી છે.

શું જણાવે છે આ કલાના કલાકાર તેજશીભાઇ મારવાડા  ?

ખરડ કલા-HDNEWS

કચ્છની અનેક કલાએ આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામના પ્રાપ્ત કરી છે ત્યારે ૭૦૦ વર્ષથી પણ વધુ જૂની ખરડ કલાને આજે કચ્છના ગણતરીના કલાકારો સાચવીને દેશ-વિદેશના કલાના કદરદાનો સુધી પહોંચાડી રહ્યા છે. આ કલાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજય સરકાર કારીગરોને માર્કેટીંગ પ્લેટફોર્મ તથા અન્ય યોજનાકીય લાભ આપીને પ્રોત્સાહન આપી રહી છે. આ કલાને સાચવીને બેઠેલા પરિવારે આજે અનેક લોકોને આ કલા શીખવાડીને તેને જીવતદાન આપ્યું છે. મૂળ કચ્છની સરહદી વિસ્તારના કુરન ગામના અને સ્થળાંતર કરીને કુકમા ખાતે રહેતા આ પરિવારના મોભી તેજશીભાઇ ધના મારવાડા જણાવે છે કે, મને યાદ છે ત્યાં સુધી અમારી ૧૦ પેઢીથી આ કામગીરી અમે કરી રહ્યા છીએ. આ કલાના સંરક્ષણ માટે નવી પેઢીને આ કલાની તાલીમ આપતા હાલ કચ્છમાં ખારી, ખાવડા, કુરન વગેરે સ્થળે પણ ખરડકામ થઇ રહ્યું છે. કલાક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠીત ગણાતો વર્ષ ૨૦૧૯નો સંત કબીર એવોર્ડ,વર્ષ ૨૦૧૩માં ટેક્સટાઇલ ક્ષેત્રનો નેશનલ એવોર્ડ, વર્ષ ૨૦૨૦માં સ્ટેટ એવોર્ડ, વર્ષ ૨૦૨૧માં ગુજરાત ટુરીઝમનો એવોર્ડ તથા વર્ષ ૨૦૧૯ નેશનલ કક્ષાનો કલામણી એવોર્ડ, એક એનજીઓ પ્રાયોજીત વર્ષ ૨૦૧૯નો આંતરરાષ્ટ્રીય એવોર્ડ સહિત નેશનલ અને સ્ટેટ એવોર્ડ મેળવી ચુકેલા તેજશીભાઇ વધુમાં ઉમેરે છે કે, ખરડ કલાએ પારંપરિક કલા છે. જેને હાથ વણાટથી તૈયાર કરવામાં આવે છે. જેને રાજસ્થાનમાં જેરોઇ, સિંધીભાષામાં ખરાદ કહેવાય છે જેનો મતલબ મજબુત એવો થાય છે. આ ખરડ કામમાં ઘેટા, બકરા તેમજ ઊંટના ઊનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી કાર્પેટ, ગાલીચા, વોલ હેંગીગ, આસન વગેરે જેવા ઘર સુશોભન તથા દૈનિક જીવનમાં ઉપયોગ કરી શકાય તેવા નમુના બનાવાય છે. આમ તો કલાના મૂળ ખૂબ જ ઊંડા છે. જયારથી કલાનો વિકાસ થયો ત્યારથી આ કળા અસ્તિત્વમાં છે.

ખરડ કલાનો શું છે ઇતિહાસ ?

અગાઉ મજુરી કામ કરતા તેજશીભાઇ જણાવે છે કે, ભુકંપ બાદ આ કલા સુધી વધુમાં વધુ ગ્રાહકો પહોંચી શકે તે માટે તેઓ કુરન ગામથી કુકમા રહેવા આવ્યા. ભુકંપ બાદ ઓસ્ટ્રેલીયાથી સિડની સંગ્રહાલયના નિર્દેશક કેરલ ડગલસ ભુજ આવ્યા હતા. તેઓએ કારીગરોને પોતાની કલાના માધ્યમથી ભુકંપની સ્થિતિ દર્શાવવા જણાવતા ૩/૬ ફુટની મોટી કાલીન બનાવી હતી. જેને પ્રશંસા સાથે ૭૫૦ ડોલરનો પુરસ્કાર મળ્યો હતો. આ કાર્પેટ આજે પણ મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી સંગ્રહાલયમાં જોવા મળે છે. વર્ષ ૨૦૧૧માં ફરી કચ્છ આવેલા કેરલ ડગલસે અલગ અલગ પ્રકારના વિષય સાથે વોલ હેંગિગ બનાવડાવી તેઓએ જ ખરીદી લીધા હતા. આ નમુનામાં લગ્ન, તહેવાર, પર્યાવરણ વગેરે થીમ દર્શાવાઇ હતી. આ નમુનાઓનું તેમણે સિડનીમાં ખાસ ખરડકલા ઉપર જ પ્રદર્શન યોજીને તેમાં રજૂ કરતા વિદેશમાં આ કળાથી લોકો પરિચીત થયા હતા. આ નમૂના પૈકી ચાર પ્રોડકટ સિડની મ્યુઝિયમ દ્વારા ખરીદાઇ હતી. જે આજે પણ આ મ્યુઝિયમમાં જોવા મળે છે. વધુમાં તેજશીભાઇ ઉમેરે છે કે, આ પ્રદર્શની મેળા થકી વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થતાં અનેક ઓર્ડર મળવા લાગ્યા જેથી મજૂરી કામ છોડીને તેઓ સંપૂર્ણ પણે ખરડ કલાના નમૂના બનાવવામાં લાગી ગયા. આ કલાને વ્યવસાય તરીકે અપનાવી લીધો. વર્ષ ૨૦૧૧માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પુરસ્કાર મળ્યો હતો. તેજશીભાઇ જણાવે છે કે, અમારી કલાને પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મેળાના માધ્યમથી માર્કેટીંગ પ્લેટફોર્મ આપવામાં આવે છે.  ઉપરાંત અન્ય યોજનાઓના માધ્યમથી આર્થિક સહાય કરવામાં આવતી હોવાથી આ કલાને જીવનદાન આપી શકાયું છે. આ માટે હું વડાપ્રધાન તથા મુખ્યમંત્રીનો ખાસ આભાર વ્યકત કરુ છું

ખરડ કલા-HDNEWS

કઇ રીતે જન્મ થયો ખરડ કળાનો ?

ખરડ કલા-HDNEWS

તેજશીભાઇ જણાવે છે કે, જયારે પ્લાસ્ટીક કે અન્ય કંતાનના કોથળાની શોધ નહોતી થઇ ત્યારે પહેલાના જમાનામાં બજારમાંથી માલ-સામાનના પરિવહનમાં તથા અન્ય ઘરના ઉપયોગ માટે ખરીદાતી ચીજવસ્તુઓ ભરવા માટે ખરડ કલાથી બનાવેલી બેગનો ઉપયોગ કરાતો. અગાઉ લુમની શોધ નહોતી થઇ ત્યારે લોકો હાથથી ઘેટા, બકરા કે ઊંટના ઊનનો ઉપયોગ કરીને તેના તાર બનાવીને તેમાંથી ગુંથીને નાની –મોટી બેગ બનાવતા હતા. જેમાં કુલ ત્રણ પ્રકારની બેગ પ્રચલિત હતી. “કુરજણી “ નામની બેગનો ઉપયોગ ઘીના ડબ્બાના પરિવહનમાં થતો હતો. જયારે “છાંટ” નામની બેગનો ઉપયોગ ખેડૂતો કરતા, ખેતરમાંથી પાકેલા અનાજને બજાર સુધી લઇ જવામાં આ બેગ વપરાતી હતી. જયારે “ જાલંગ ”નામની બેગનો વપરાશ ખેડૂતો પશૂઓના ચારા ભરી રાખવા તથા પરિવહનમાં કરતા હતા. આમ, ખેડૂતો, માલધારીઓ તથા સામાન્ય પ્રજા ખરડકામથી તૈયાર થયેલી ચીજોનો ઉપયોગ કરતી હતી. આ સાથે રાજા-મહારાજા “ખરડ દરી” (કાલીન)નો ઉપયોગ કરતા હતા. સમય બદલાતા બેગની માંગ બંધ થતાં આધુનિક યુગ આવતા ખરડકામને લોકઉપયોગી બનાવવા હાલ ઘરસુશોભનના નમુના તથા વોલ હેંગિગના નમુના બનાવીને કારીગરો પોતાની આવક રળી રહ્યા છે.

 

આ પણ જાણો :ગુજરાત: નવરાત્રીમાં ગરબાના નકલી પાસ સામે આવતા આયોજકોએ અપનાવ્યો નવો રસ્તો

Back to top button